JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ભારતને મળ્યો વધુ એક વૈભવ સૂર્યવંશી જેવો ચમત્કાર, WPL માટે દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ 15 વર્ષની ઉમા કાશવી

Oct 29, 2026 | 13:10 | By JAMNAGAR MIRROR
ભારતને મળ્યો વધુ એક વૈભવ સૂર્યવંશી જેવો ચમત્કાર, WPL માટે દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ 15 વર્ષની ઉમા કાશવી
પુરુષ ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીની ચર્ચા વચ્ચે હવે મહિલા ક્રિકેટમાં 15 વર્ષની ઉમા કાશવીએ ધમાકો કર્યો છે. શાનદાર પ્રદર્શનના આધારે આ યુવા ઓલરાઉન્ડરને દિલ્હી કેપિટલ્સે સાઈન કરી છે, જેને ફ્રેન્ચાઈઝી ભવિષ્યના રોકાણ તરીકે જોઈ રહી છે.

પુરુષ ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીએ જે રીતે નાની ઉંમરે સનસનાટી મચાવી છે, તેવી જ રીતે હવે મહિલા ક્રિકેટ જગતમાં કર્ણાટકની 15 વર્ષની ઉમા કાશવી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. જમણા હાથની ઓફ-સ્પિનર હોવાની સાથે મિડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરવાની ક્ષમતા ધરાવતી ઉમાએ કર્ણાટકની એજ-ગ્રુપ ક્રિકેટથી લઈને છેક ઈન્ડિયા અંડર-19 ટીમ સુધીની સફર ખૂબ જ નાની ઉંમરે ખેડી છે. તેના આ જ કમાલના પ્રદર્શનથી પ્રભાવિત થઈને WPLની આગામી સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમે તેને પોતાની સાથે જોડી દીધી છે, જેથી આ યુવા પ્રતિભાને મોટો મંચ મળી શકે.

ઉમા કાશવીની ક્રિકેટ સફર ઘણી રસપ્રદ રહી છે, તેણે માત્ર 7 વર્ષની ઉંમરે ઘર પાસેની એક એકેડેમીમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી અને માત્ર 12 વર્ષની વયે તેણે બેંગલુરુની એક ટૂર્નામેન્ટમાં અણનમ 217 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, 2025-26ની વિમેન્સ અંડર-15 વન-ડે ટ્રોફીમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની હતી, જેમાં તેણે 172ની જબરદસ્ત એવરેજથી 516 રન ફટકાર્યા હતા જેમાં 3 સેન્ચ્યુરી પણ સામેલ હતી. તેણે મણિપુર સામે માત્ર 66 બોલમાં અણનમ 158 રનની આતિશી ઇનિંગ રમી હતી જેમાં 23 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેના આ જ શાનદાર ફોર્મને જોતા તેને 2026માં શ્રીલંકા સામેની સિરીઝ માટે ઈન્ડિયા અંડર-19 ટીમમાં પણ સ્થાન મળ્યું હતું, જ્યાં તેણે શિસ્તબદ્ધ બોલિંગ કરીને ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ જોનાથન બેટીએ જણાવ્યું હતું કે તેમની ટીમના સ્કાઉટ્સ લાંબા સમયથી ઉમાના પ્રદર્શન પર નજર રાખી રહ્યા હતા અને તેને ભવિષ્યની મોટી સુપરસ્ટાર માનવામાં આવી રહી છે. હાલ 15 વર્ષની ઉમા કાશવી એક કાચું સોનું છે અને ફ્રેન્ચાઈઝી તેને લોંગ-ટર્મ પ્રોજેક્ટ તરીકે વિકસાવવા માંગે છે. જોકે, બાંગ્લાદેશ અને નેપાળમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ શેડ્યૂલ WPL સાથે અથડાતો હોવાથી કદાચ તેનો WPL ડેબ્યૂ થોડો મોડો થઈ શકે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં રહીને તેને મોટા કોચ અને ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે શીખવાનો અમૂલ્ય મોકો મળશે જે તેની કરિયર માટે માઈલસ્ટೋನ್ સાબિત થશે.

LATEST ARTICLES