ચેન્નઈમાં બનેલી આ ઘટનામાં મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે વિદેશી નાગરિક એટલે કે OCI કાર્ડધારક દ્વારા ભારતમાં ઈશ્વરના વચન કે ધર્મનો પ્રચાર કરવો એ મિશનરી પ્રવૃત્તિ ગણાય છે. જસ્ટિસ ભરત ચક્રવર્તીએ બુધવારે આપેલા આ આદેશમાં બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા 4 સપ્ટેમ્બરના રોજ યુએસ સિટીઝન જ્હોન ડેનિયલનું OCI પર્મિટ રદ કરવાના નિર્ણય પર મહોર મારી દીધી છે. કોર્ટના આ ફેસલાથી ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા વિદેશી નાગરિકો માટે કડક સંદેશ ગયો છે.
આ કેસમાં અરજદાર જ્હોન ડેનિયલે દાવો કર્યો હતો કે તે ફક્ત પોતાની વયોવૃદ્ધ માતા, પરિવારના સભ્યોને મળવા અને કિલપૌક ગાર્ડન રોડ પર આવેલા સિમેટ્રીમાં વડીલોને શ્રદ્ધાંજલિ આપવા ભારત આવે છે અને તેણે OCI નિયમોનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. જોકે, કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી કારણ કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વિવિધ સ્થળોએ ધાર્મિક સભાઓ યોજવા અને જાહેરાતો છાપવાના મજબૂત પુરાવાઓ તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અરજદારનો પરિવારને મળવાનો દાવો સદંતર ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન ન કરાવતા હોઈએ અને માત્ર ધર્મનો સંદેશ ફેલાવતા હોઈએ તો પણ મિશનરી પ્રવૃત્તિ માટે સરકારી મંજૂરી હોવી અનિવાર્ય છે. અંતમાં કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે જ્હોન ડેનિયલ તેની માતાને મળવા માટે રેગ્યુલર વિઝા માટે અરજી કરી શકે છે, પરંતુ ધાર્મિક સભાઓ કે પ્રચાર કરવા માટે તેણે ફરજિયાતપણે કાયદેસરની પરવાનગી મેળવવી પડશે.
