લોકો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે દેશ અને દુનિયાના અબજોપતિઓ સોના કે ચાંદીથી જડેલા અથવા કોઈક હાઈ-એન્ડ પ્રીમિયમ ગેજેટ્સ જ વાપરતા હશે, પરંતુ અંબાણી પરિવારની સાદગી હંમેશાં ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં જ મુંબઈના નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે યોજાયેલા Jio પ્લેટફોર્મ્સના મેગા IPO લિસ્ટિંગ ઇવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઇવેન્ટમાં સમગ્ર અંબાણી પરિવાર સ્ટેજ પર હાજર હતો અને આ દરમિયાન મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી અંબાણીને એક સફેદ રંગનો મોબાઈલ આપતા કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હવે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Dr_Priyanka0 નામના યુઝર દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુકેશ અંબાણી આ સફેદ રંગનો iPhone Air વાપરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઓનલાઈન યૂઝર્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આટલા મોટા ઉદ્યોગપતિ પણ આ સામાન્ય પ્રીમિયમ ફોન વાપરે છે. જોકે, બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે આ ફોન કદાચ મુકેશ અંબાણીનો નહીં પરંતુ તેમના પુત્ર આકાશ અંબાણીનો હોઈ શકે છે, કારણ કે અગાઉ ICC મહિલા વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન પણ આકાશ અંબાણી આ જ પ્રકારના સિંગલ-કેમેરાવાળા સફેદ iPhone સાથે સ્ટેન્ડમાં જોવા મળ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી ખૂબ જ મસ્તીભરી અને રમુજી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે, જેમાં એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે જો અંબાણી પણ પોતાના બાળકોને ફોનથી દૂર નથી રાખી શકતા તો સામાન્ય લોકો કેવી રીતે રાખી શકે? ભલે આ ફોન મુકેશ અંબાણીનો હતો કે તેમના પુત્ર આકાશ અંબાણીનો, પરંતુ Jio IPO ઇવેન્ટના આ ક્ષણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે અને તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ ઝલક ઇન્ટરનેટ પર ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
