JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાજુના પ્લોટ પર ડિમોલિશનથી ઘરમાં પડી તિરાડો, 12 વર્ષની લાંબી લડાઈ બાદ મહિલા જીતી ગઇ કાનૂની જંગ

Oct 29, 2026 | 13:11 | By JAMNAGAR MIRROR
બાજુના પ્લોટ પર ડિમોલિશનથી ઘરમાં પડી તિરાડો, 12 વર્ષની લાંબી લડાઈ બાદ મહિલા જીતી ગઇ કાનૂની જંગ
અમેરિકાના ફ્લોરિડામાં બાજુના મકાનને તોડતી વખતે થયેલા વાઇબ્રેશનથી ઘરને થયેલા નુકસાન મામલે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નામંજૂર કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં જ્યુરીએ મહિલાની તરફેણમાં ચુકાદો આપીને 240,000 ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

અમેરિકાના મિયામી શહેરમાં રહેતી સાન્દ્રા મોઇઝ નામના મહિલાએ પોતાની પ્રોપર્ટીને થયેલા નુકસાન માટે અદાલતમાં 12 વર્ષ સુધી લાંબી લડત લડીને આખરે મોટી જીત મેળવી છે. આ મામલો માર્ચ 2014નો છે, જ્યારે બાજુના પ્લોટ પર ચાલી રહેલા હેવી ડિમોલિશન કામકાજ દરમિયાન થયેલા ભારે વાઇબ્રેશનથી સાન્દ્રાના ઘરના ફ્લોર, દીવાલો અને સીલિંગમાં ખતરનાક તિરાડો પડી ગઈ હતી. જ્યારે તેમણે હોમઓનર્સ ચોઈસ પ્રોપર્ટી એન્ડ કેજ્યુઅલ્ટી ઇન્સ્યોરન્સ કંપની પાસે રિપેરિંગ માટે ક્લેમ કર્યો, ત્યારે કંપનીએ પૉલિસીના નિયમો ટાંકીને જૂન 2014માં તેમનો દાવો ફગાવી દીધો હતો. કંપનીનું કહેવું હતું કે પૉલિસીમાં અર્થ મૂવમેન્ટ એટલે કે જમીન ખસવા કે બેસી જવાની સ્થિતિમાં નુકસાનનું કવરેજ મળતું નથી, જેના કારણે આ કેસ લાંબી કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો હતો.

આ કેસમાં મુખ્ય વિવાદ એ વાત પર હતો કે નુકસાન ખરેખર જમીન ખસવાથી થયું હતું કે બાજુમાં ચાલી રહેલા કામના વાઇબ્રેશનથી થયું હતું. ઇન્સ્યોરન્સ કંપનીએ બ્રેકેન એન્જિનિયરિંગના રિપોર્ટના આધારે દાવો કર્યો હતો કે ઘરની હાલત મટિરિયલ શ્રિંકેજ કે જૂની સ્થિતિના કારણે બગડી છે. જોકે, સાન્દ્રાના એક્સપર્ટે કોર્ટમાં સાબિત કર્યું કે હેવી મશીનરીના કારણે પેદા થયેલા વાઇબ્રેશન સીધા ચૂનાના પથ્થરવાળી સબસોઇલ મારફતે ફાઉન્ડેશન સુધી પહોંચ્યા હતા અને તેનાથી નુકસાન થયું હતું. ડિસેમ્બર 2019માં ટ્રાયલ કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીની અરજી ફગાવી દીધી હતી અને નવેમ્બર 2022માં જ્યુરી સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ લાંબી પ્રક્રિયા બાદ મે 2024માં ફાઇનલ જજમેન્ટ આવ્યું હતું જેમાં જ્યુરીએ સ્પષ્ટ કર્યું કે આ નુકસાન પૉલિસીના નિયમોથી બહાર હતું અને વાઇબ્રેશનના કારણે થયું હતું.

આ ફેંસલા સામે ઇન્સ્યોરન્સ કંપની ફ્લોરિડાની થર્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ અપીલ ગઈ હતી, પરંતુ 28 ઓક્ટોબર 2026ના રોજ અદાલતે કંપનીની દલીલો ફગાવી દીધી અને નીચલી કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો હતો. અપીલ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાઇબ્રેશનથી થયેલું નુકસાન અને અર્થ મૂવમેન્ટથી થયેલા નુકસાનમાં તફાવત છે અને કંપની એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે જ્યુરીનો નિર્ણય ખોટો હતો. કોર્ટે સાન્દ્રા મોઇઝની તરફેણમાં 240,000 ડોલરનું ડેમેજ અવોર્ડ અને પ્રીજજમેન્ટ ઇન્ટરેસ્ટ ચૂકવવાનો આદેશ મંજૂર કર્યો છે. આ કેસ એ વાતની સાક્ષી પૂરે છે કે કન્સ્ટ્રક્શનના વાઇબ્રેશનથી થતા નુકસાનના મામલામાં પૉલિસીની બારીકાઈઓ કેટલી મહત્વની સાબિત થાય છે.

LATEST ARTICLES