પંજાબના લુધિયાણા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પૂર્વ કોંગ્રેસ નેતા જગજોત સિંહ પર કેટલાક હથિયારધારી લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પંજાબ યુથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી જગજોત સિંહ પરિવાર સાથે બહાર જમીને પોતાની કારમાં ઘરે પરતી રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો. શહેરના ધોલેવાલ વિસ્તારમાં બનેલી આ ઘટના સમયે કારમાં તેમનો 3 વર્ષનો પુત્ર અને માતા પણ હાજર હતા, જેમની નજર સામે જ હુમલાખોરોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો.
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ રેસ્ટોરન્ટથી જમીને પરત જઈ રહ્યા હતા ત્યારે જગજોત સિંહ ગાડી રોકીને પાણીની બોટલ લેવા માટે નીચે ઉતર્યા હતા. તે જ સમયે અંદાજે 8 જેટલા શખ્સો પાછળથી આવ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જગજોત સિંહના કહેવા મુજબ હુમલાખોરોએ તેમના પર 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે તેઓ જીવ બચાવીને કારમાં બેસવા ગયા ત્યારે હુમલાખોરોએ દોડી આવીને તેમના માથાના ભાગે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં તેઓ હિંમત કરીને પોતાની કાર જાતે જ ચલાવીને સમય બગાડ્યા વગર હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તરત જ તેમને ટ્રીટમેન્ટ આપી હતી.
આ ભયાનક હુમલા પાછળ જૂની અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જગજોત સિંહના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં પણ આ જ જૂથે તેમના ઘર પર ગોળીબાર કર્યો હતો. હાલ ભલે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નથી અને પ્રોપર્ટી બિઝનેસ તેમજ નોન-પ્રોફિટ સંસ્થા ચલાવે છે, પરંતુ તેઓ આ હુમલા પાછળ રાજકીય દુશ્મની હોવાની આશંકા સેવી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યની ઓપોઝિશન પાર્ટીઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ડ્રગ્સના મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
