રાજકોટ શહેરની જાણીતી સોની બજારમાં ધનતેરસ અને દિવાળી જેવા પવિત્ર તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નવાનાકા રોડ પર ગઢની રાંગ પાસે મારુતિ જ્વેલર્સ નામની પેઢી ચલાવતા અને બુલીયનનો ધંધાકીય વેપાર કરતા હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢીયા અચાનક જ કરોડો રૂપિયાનું સોનું અને રોકડ લઈને ફરાર થઈ ગયા છે. આ બનાવને પગલે સોની બજારના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને મોટી સંખ્યામાં ઝવેરીઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. શરૂઆતમાં આ કૌભાંડ આશરે રૂ. 50 કરોડનું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર મામલે પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં ક્રિષ્ના ચેમ્બરમાં રમેશચંદ્ર એન્ડ સન્સ પેઢી ધરાવતા જતીનભાઈ પાટડીયાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી હસુભાઈ લોઢીયાએ ગ ગત 26/10/2026 ના રોજ ફોન કરીને ફાઇન સોનાની માંગણી કરી હતી અને અલગ-અલગ માણસો મોકલીને કુલ 5 કિલો ફાઇન સોનું પડાવી લીધું હતું. બુલીયનના ધંધાના નિયમ મુજબ 24 કલાકમાં સોનું કે રકમ પરત કરવાની હોય છે, પરંતુ બીજા દિવસે ફોન બંધ આવતા અને ઘરે તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. હસુભાઈએ જતીનભાઈ સિવાય અન્ય વેપારીઓ પાસેથી પણ સોનું આપવાના બહાને નીલેશભાઈ માંડલીયા પાસેથી રૂ. 29,05,177, મનોજકુમાર ધોળકીયા પાસેથી રૂ. 14,55,500 અને હિતેશભાઈ માંડલીયા પાસેથી રૂ. 8.73 લાખ પડાવી લીધા હતા. આમ, કુલ રૂ. 7.25 કરોડનું સોનું અને રૂ. 52,33,677 ની રોકડ મળીને કુલ રૂ. 7,77,33,677 ની છેતરપિંડી આચરવામાં આવી છે.
પોલીસે ગુનો નોંધીને પીઆઈ જે.વી.વાઢિયાની ટીમને તપાસ સોંપી છે, જેમાં આરોપી હસુભાઈ અને તેના પુત્ર દેવાંગ વિરુદ્ધ સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝવેરી બજારમાં ચર્ચાઈ રહ્યું છે કે આ પિતા-પુત્રે ચાંદીના સટ્ટામાં મોટી રકમ ગુમાવી દીધી હોવાને કારણે આ આર્થિક સંકળામણ ઊભી થઈ છે અને ઘણા નાના વેપારીઓ પણ આની ઝપેટમાં આવી ગયા હોવાથી છેતરપિંડીનો આ આંકડો વધીને રૂ. 50 કરોડ સુધી પહોંચી શકે છે. અગાઉ પણ બે-અઢી વર્ષ પહેલાં હસુભાઈની આર્થિક સ્થિતિ અંગે બજારમાં ચર્ચાઓ થઈ ચૂકી છે ત્યારે હવે તહેવારો ટાણે જ બનેલી આ ઘટનાથી સોની વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
