JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ડ્રાયફ્રૂટ્સના તોતિંગ ભાવવધારાથી બદલાયો દિવાળી ગિફ્ટિંગનો ટ્રેન્ડ, હેમ્પર્સનું કદ ઘટ્યું

Oct 29, 2026 | 16:30 | By JAMNAGAR MIRROR
ડ્રાયફ્રૂટ્સના તોતિંગ ભાવવધારાથી બદલાયો દિવાળી ગિફ્ટિંગનો ટ્રેન્ડ, હેમ્પર્સનું કદ ઘટ્યું
દિવાળીના તહેવારોમાં આ વર્ષે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 40 થી 50 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. મોંઘવારીના કારણે કોર્પોરેટ કંપનીઓ અને વેપારીઓએ ગિફ્ટ હેમ્પર્સનું કદ ઘટાડવું પડ્યું છે અને હવે ડ્રાયફ્રૂટ્સની સાથે ચોકલેટ, મીઠાઈ તેમજ ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સનો ટ્રેન્ડ વધ્યો છે.

દિવાળીના તહેવારો ટાણે જ ગિફ્ટિંગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વર્ષે સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં મોટો વધારો થયો છે. કોર્પોરેટ કંપનીઓ અને વેપારીઓનું ગિફ્ટિંગનું બજેટ તો લગભગ સમાન જ રહ્યું છે, પરંતુ ભાવ વધવાને કારણે ગિફ્ટ બોક્સમાં આપવામાં આવતી વસ્તુઓની માત્રા અને વિવિધતામાં ઘટાડો કરવાની ફરજ પડી છે. બજારના આંકડા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડ્રાયફ્રૂટ્સના વેચાણમાં સીધો 50 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જે તહેવારોની ખરીદી પર ભારે અસર પાડી રહ્યો છે.

આ મોંઘવારીની સૌથી વધુ અસર કોર્પોરેટ ગિફ્ટિંગ પર પડી છે જ્યાં 1,000 રૂૂપિયાના બજેટવાળા ગિફ્ટ હેમ્પરમાં હવે ખરીદદારોને ખૂબ ઓછી વસ્તુઓ મળી રહી છે. અગાઉ જે બોક્સમાં 6 અલગ-અલગ વેરાયટી આવતી હતી તે હવે ઘટીને માત્ર 2 કે 3 થઈ ગઈ છે. કંપનીઓ હવે મોંઘા ડ્રાયફ્રૂટ્સની જગ્યાએ કિસમિસ, ડિહાઇડ્રેટેડ કીવી, સફરજન, કેરી, નારંગી, સ્ટ્રોબેરી અથવા મ્યુસલી સાથે ચોકલેટ, મીઠાઈ અને નમકીનનું કોમ્બિનેશન બનાવી રહી છે. અરુણાયા ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, બજેટ જાળવી રાખવા માટે વ્યવસાયો હવે કસ્ટમાઇઝ્ડ ગિફ્ટના નવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત હેન્ડક્રાફ્ટ ગિફ્ટ બોક્સના પેકેજિંગના ભાવ પણ 250 થી 300 રૂૂપિયાથી વધીને 350 થી 400 રૂૂપિયા થઈ ગયા છે, જેથી કંપનીઓ મોટા બોક્સના બદલે આકર્ષક નાની કાચની બરણીઓ પસંદ કરી રહી છે.

આટલા બધા ભાવ વધવા પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે, જેની માહિતી આપતા ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સેક્રેટરી ડો. હિરેન ગાંધીએ જણાવ્યું કે શિપિંગ અને ઇન્સ્યોરન્સના ખર્ચમાં 50 થી 60 ટકાનો મોટો વધારો થયો છે અને માલ પહોંચાડવાનો સમય પણ ત્રણ ગણો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આયાત થતી બદામમાંથી 55 ટકાથી વધુ અમેરિકાથી અને આશરે 20 ટકા ઈરાનથી આવે છે, જ્યારે પિસ્તા પણ આ જ દેશોમાંથી આયાત થાય છે. વૈશ્વિક સ્તરે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં તેની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે અને આગામી દિવસોમાં પણ ગિફ્ટિંગ માર્કેટમાં આ જ પ્રકારનું સાવચેતીભર્યું વલણ જોવા મળી શકે છે.

LATEST ARTICLES