કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPA દ્વારા 137 નોન-શેડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓ માટે સુધારેલા મહત્તમ છૂટક ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દવાઓના વેચાણમાં 30 ટકા ટ્રેડ માર્જિન કેપના અમલીકરણને પગલે આ મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેના કારણે બજારમાં મળતી કેટલીક સામાન્ય અને બાયોસિમિલર કેન્સરની દવાઓમાં સીધો 93 ટકા સુધીનો ઘટાડો થયો છે. આ સુધારેલા ભાવ 9 નવેમ્બરથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયા છે, જેનાથી મોંઘી સારવારનો બોજ વહન કરતા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
આ ભાવ ઘટાડામાં સૌથી મોટો ધડાકો RPG લાઇફ સાયન્સની પાલ્બોપ્રો દવામાં જોવા મળ્યો છે, જેનું પેક અગાઉ રૂ.40,421.33માં મળતું હતું તે ઘટીને હવે માત્ર રૂ.2,720 થઈ ગયું છે, એટલે કે તેમાં સીધો 93.3 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રોસ્ટેટ કેન્સરની એબિરાલાઈવ બ્રાન્ડની કિંમત રૂ.28,000 થી ઘટીને રૂ.4,840 થઈ છે, જ્યારે એબિરાલેટ બોટલની કિંમત રૂ.36,088.81 થી ઘટીને રૂ.4,064.48 પર આવી ગઈ છે. બેવાસીઝુમાબ, થિયોટેપા, એનાસ્ટ્રોઝોલ, પર્ટુઝુમાબ, ઓલાપેરિબ અને ડેનોસુમાબ જેવી અનેક મહત્વની દવાઓ અને ઈન્જેક્શન્સના ભાવ પણ હજારો રૂપિયા ઘટી ગયા છે. જોકે, કીટ્રુડા અને ટાગ્રિસો જેવી કેટલીક સિંગલ-સોર્સ દવાઓના ભાવ યથાવત રહ્યા છે, જ્યારે 137માંથી 27 દવાઓના સુધારેલા ભાવ હજુ જાહેર થયા નથી.
મોંઘીદાટ કેન્સર થેરપીના કારણે પાયમાલ થતી મધ્યમવર્ગીય પરિવારો માટે આ સરકારી પગલું સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. એક જ કેન્સરની દવા બનાવતી અલગ-અલગ બ્રાન્ડ્સના ભાવોમાં અગાઉ મોટો તફાવત જોવા મળતો હતો, જેને નિયંત્રિત કરવા માટે આ કડક કિંમત મર્યાદા નક્કી કરવામાં આવી છે. ભલે હજુ કેટલીક વિશેષ દવાઓ આમાંથી બાકી રહી ગઈ હોય, પરંતુ મોટાભાગની જરૂરી એન્ટી-કેન્સર દવાઓના ભાવ જમીન પર આવતા દર્દીઓની હોસ્પિટલની ફાઈલ અને મેડિકલ ખર્ચનો મોટો ભાર હળવો થઈ ગયો છે.
