જેતપુરના એક યુવા ક્રિકેટરે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની રમતથી ધૂમ મચાવી દીધી છે. વાત છે જેતપુરના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર દર્શ આશિષભાઈ હીરપરાની, જેમણે નેશનલ લેવલના પોતાના ડેબ્યુમાં જ આક્રમક બેટિંગનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ CBSE ક્લસ્ટર ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને સાઉથ ઝોન માટે પસંદગી પામેલા દર્શે રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ મેચમાં જ મેદાન પર કમાલ કરી દીધો હતો. તેની આ શાનદાર રમતથી ક્રિકેટ વર્તુળોમાં તેના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ મેચ દરમિયાન દર્શે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 30 બોલમાં જ 59 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા અને 196.67ના શાનદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. નાની ઉંમરે જોવા મળેલો આત્મવિશ્વાસ અને આક્રમક અંદાજ તેના ભવિષ્યની મોટી સફરના એંધાણ આપી રહ્યો છે. પરિવારની વાત કરીએ તો, દર્શ હીરપરા જેતપુરના જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક સેવક રાજુભાઈ હીરપરાના પૌત્ર તથા આશિષભાઈ હીરપરાના પુત્ર છે.
નાની વયે જ ક્રિકેટ જગતમાં આ પ્રકારની મોટી સિદ્ધિ હાંસલ કરવા બદલ હીરપરા પરિવારમાં ખુશીનો માહોલ છે. આ સફળતા માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર જેતપુર શહેર અને સૌરાષ્ટ્ર પંથક માટે પણ અત્યંત ગૌરવપૂર્ણ બની છે. આગામી સમયમાં દર્શ પોતાની આ જ પ્રકારની શાનદાર રમત ચાલુ રાખીને ક્રિકેટ ક્ષેત્રે હજુ વધુ ઊંચાઈઓ સર કરે તેવી સૌ કોઈ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
