ગુજરાત હવે દેશનું સ્પોર્ટ્સ હબ બનવાની દિશામાં વધુ એક મોટું કદમ આગળ વધારી રહ્યું છે. આગામી વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જ ભગીરથ પ્રયાસના ભાગરૂપે ગાંધીનગર નજીક આવેલા કરાઈ ખાતે રૂૂ. 1,450 કરોડના માતબર ખર્ચે એક ભવ્ય અને અદ્યતન સ્પોર્ટ્સ સિટી વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ એક જ વિશાળ કેમ્પસમાં દેશ-વિદેશના રમતવીરો માટે વર્લ્ડ ક્લાસ કોમ્પિટિશન વેન્યૂ, આધુનિક રહેઠાણ અને ટ્રેનિંગ માટેની બેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ મેપ પર ચમકી શકે.
આ સૂચિત કરાઈ સ્પોર્ટ્સ એકેડમીમાં રમતગમતની દુનિયાની તમામ અત્યાધુનિક સગવડો જોવા મળશે. અહીં એક શાનદાર એથ્લેટિક્સ સ્ટેડિયમ, ઇન્ડોર શૂટિંગ રેન્જ તેમજ મલ્ટીપર્પઝ વેઇટલિફ્ટિંગ એરેના તૈયાર કરવામાં આવશે. સરકારનો મુખ્ય હેતુ આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને નેશનલ ગેમ્સ જેવી મોટી અને પ્રતિષ્ઠિત સ્પોર્ધાઓનું સફળ આયોજન કરવાનો છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મજબૂત બનશે અને આપણા ખેલાડીઓને ઘરઆંગણે જ ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ મળી રહેશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ નક્કી કરેલા સમયમાં જ પૂરો થાય તે માટે સરકારે અત્યારથી જ કડક નિયમો અને ડેડલાઇન નક્કી કરી દીધી છે. જે મુજબ 10-મીટર, 25-મીટર અને 50-મીટર ઇવેન્ટ્સ માટેની ઇન્ડોર શૂટિંગ રેન્જનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું રહેશે. આ ઉપરાંત, એથ્લેટિક્સ સ્ટેડિયમ અને વેઇટલિફ્ટિંગ એરેના માટે 30 મહિનાની ડેડલાઇન અપાઈ છે, જ્યારે સાઇટ-ડેવલપમેન્ટની બાકીની તમામ કામગીરી 36 મહિનાની અંદર આટોપી લેવાની રહેશે. જો કોઈ એજન્સી દ્વારા કામમાં વિલંબ કરવામાં આવશે તો તેને દરરોજ 0.05% ના હિસાબે મહત્તમ 10% સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે.
