ભારતની ડિજિટલ ક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સે તેની સ્થાપનાનાં 10 વર્ષ પૂર્ણ કર્યાં છે અને બીજી તરફ જિયોના દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓને મળેલા ઐતિહાસિક સબસ્ક્રિપ્શને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ગત બુધવારે જિયોના આઈપીઓનું લિસ્ટિંગ થતાં જ દેશભરના રોકાણકારોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે અંબાણી પરિવારે જામનગર સ્થિત રિલાયન્સની રિફાઈનરીની આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારો માટે વિશેષ ભોજન સમારંભ આયોજિત કર્યા હતા.
આ અનોખી સામૂહિક ઉજવણીના ભાગરૂપે રિફાઇનરીની નજીકના નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જિયો પ્લેટફોર્મ્સના શેરના લિસ્ટિંગના શુભ પ્રસંગે યોજાયેલા આ ભોજન સમારંભો થકી અંબાણી પરિવારે આસપાસના ગ્રામ્ય વિસ્તારો સાથેનો પોતાનો આત્મીય સંબંધ ફરી એકવાર તાજો કર્યો હતો. અંબાણી પરિવારે પોતાની આ ખુશીઓ ગ્રામજનો સાથે વહેંચીને તેમને પણ આ ઐતિહાસિક સફળતાના સાક્ષી બનાવ્યા હતા, જેને ગ્રામજનોએ ખૂબ જ હર્ષભેર આવકારી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી તથા કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સામૂહિક ભોજન સમારંભમાં ત્રણેય ગામોના ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ રિલાયન્સની સફળતા સાથે જિયોની આ સિદ્ધિને પણ ખુબ વધાવી લીધી હતી અને અંબાણી પરિવાર તથા કંપની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં સૌએ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
