રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4.5 વર્ષ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે યુરોપિયન સંસદની વિદેશ બાબતોની સમિતિના પ્રમુખ ડેવિડ મેકાલિસ્ટરે ભારતની શાંતિ પહેલ પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને રશિયા તથા યુક્રેન બંને સાથે તેના સારા સંબંધો છે. વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત લેવાની સાથે કિવની પણ મુલાકાત લીધી છે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો છે. ડેવિડ મેકાલિસ્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત એવા દેશોમાંથી એક છે જે મોસ્કો અને કિવ વચ્ચે નેવિગેટ અને નેગોશિએટ કરીને આ યુદ્ધનો ન્યાયી ઉકેલ લાવવામાં મદદ કરી શકે છે.
આ મુલાકાતમાં યુદ્ધના કારણે થયેલા માનવીય નુકસાન પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ડેવિડ મેકાલિસ્ટરે યાદ અપાવ્યું કે બ્લેક સીમાં ડૂબી ગયેલા જહાજોમાં ભારતીય નાગરિકો અને ખલાસીઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે જે એક મોટી દુર્ઘટના છે. આ ઉપરાંત અનાજના સપ્લાયમાં પેદા થયેલી અડચણોની અસર પણ ભારત પર પડી છે. યુરોપિયન નેતાએ જણાવ્યું કે આ યુદ્ધ 1945 પછી યુરોપનું સૌથી ખરાબ યુદ્ધ છે જે પહેલી અને બીજી વલ્ડ વર કરતા પણ લાંબુ ચાલી રહ્યું છે. યુરોપ હવે પોતાની સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે પોતાનું ડિફેન્સ બજેટ વધારી રહ્યું છે અને રશિયન ઊર્જા પરની નિર્ભરતા ઘટાડીને સપ્લાય ચેઈનને ડાઈવર્સિફાઈ કરી રહ્યું છે, જેના કારણે જ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક અર્થતંત્ર અને લોકશાહી સામેના પડકારો પર વાત કરતા તેમણે ચેતવણી આપી કે આંતરરાષ્ટ્રીય કટોકટીએ આપણી અર્થવ્યવસ્થાઓની નબળાઈઓને ખુલ્લી પાડી દીધી છે, તેથી આપણે તમામ ઈંડા એક જ ટોપલીમાં મૂકવાની નીતિ છોડી દેવી જોઈએ. તેમણે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનના અધિકારનું સમર્થન કર્યું પરંતુ હિંસા સામે સખત વાંધો દર્શાવ્યો. રાજકીય પ્રતિસ્પર્ધાઓમાં મર્યાદા જાળવવાની હિમાયત કરતા તેમણે અંતમાં એ જ ઈચ્છા વ્યક્ત કરી કે આ ભયાનક યુદ્ધો હવે જલ્દીથી પૂરા થવા જોઈએ કારણ કે દરરોજ અસંખ્ય નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.
