જ્યોર્જિયામાં રહેતા 95 વર્ષના એક વૃદ્ધાની દેખરેખ અને તેમની સંભાળને લઈને પરિવારમાં જ જોરદાર ઘમાસાણ મચી ગયું હતું. એડવાન્સ્ડ ડીમેન્શિયાથી પીડિત આ વૃદ્ધાના ત્રણ સંતાનો વચ્ચે પ્રોપર્ટી, પૈસા અને મુલાકાત બાબતે એવો વિવાદ વધ્યો કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. વર્ષ 2018થી આ વૃદ્ધા પોતાના પુત્ર જિમના ઘરના પરિસરમાં જ રહેતા હતા. પરંતુ સમય જતાં સંતાનો વચ્ચે જ માતાની સંભાળને લઈને અદાવત શરૂ થઈ ગઈ અને ભાઈઓએ પોતાની જ બહેનને માતાને મળવા પર રોક લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે પરિવારના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હતી અને મામલો વણસતા આખરે કોર્ટે દરમિયાનગીરી કરવી પડી હતી.
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ માતાની દેખરેખ અને તેમની સંપત્તિનો વહીવટ હતો. વર્ષ 2023માં બીમારી અગાઉ માતાએ પુત્ર જિમ અને સેન્ડીને તેમના નિર્ણયો લેવા માટે સત્તા આપી હતી. જોકે, પાછળથી જિમ દ્વારા માતાની મોટી રકમ એક ટ્રસ્ટ અને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના કિસ્સા સામે આવતા શંકાઓ વધી હતી. એટલું જ નહીં, જિમ અને સેન્ડીએ તેમની બહેન લિસાને માતાને મળવા દીધી ન હતી અને પ્રોપર્ટી પર આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સપ્ટેમ્બર 2025માં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન એવા પુરાવા પણ સામે આવ્યા કે ભાઈઓએ માતાનો સંપર્ક તેમના મિત્રો સાથે પણ કાપી નાખ્યો હતો. આ દરમિયાન ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાના કેટલાક વીડિયો અને રેકોર્ડિંગ પણ સામે આવ્યા હતા, જેમાં કૌટુંબિક તણાવ સ્પષ્ટ દેખાતો હતો.
આ તમામ પુરાવા અને દલીલો સાંભળ્યા બાદ ઓક્ટોબર 2025માં અદાલતે પુત્રી લિસા ડિક્સન મેકકલોફના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ભાઈઓ દ્વારા કરવામાં આવેલી મનમાની અને નાણાકીય અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને જિમ અને સેન્ડીની દલીલો ફગાવી દીધી હતી. જ્યોર્જિયા કોર્ટ ઓફ અપીલ્સે નીચલી કોર્ટના આ નિર્ણયને માન્ય રાખ્યો હતો અને લિસાને તેની માતાની કાયમી વાલી તરીકે નિયુક્ત કરી હતી. જોકે, માતાના નાણાકીય વ્યવહારો સંભાળવા માટે કોર્ટે અલગથી કાઉન્ટી એડમિનિસ્ટ્રેટર જુલિયન ગ્લિસનને જવાબદારી સોંપી છે, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય.
