JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ગોધરામાં દિવાળી પહેલા ફૂડ વિભાગની લાલ આંખ, મીઠાઈ અને ઘીની દુકાનોમાં ધામા

Oct 29, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
ગોધરામાં દિવાળી પહેલા ફૂડ વિભાગની લાલ આંખ, મીઠાઈ અને ઘીની દુકાનોમાં ધામા
આગામી તહેવારોની મોસમમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈડાચેડા ન થાય તે માટે પંચમહાલ જિલ્લામાં ફૂડ વિભાગે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. ગોધરામાં એક પેઢીમાંથી શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે હજારો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે.

દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે બજારમાં મીઠાઈઓ અને ફરસાણની માંગ વધી જતી હોય છે. આ સમયનો લાભ લઈને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લગામ કસવા માટે પંચમહાલ જિલ્લા ખોરાક અને ઓષધ નિયમન તંત્ર સક્રિય બન્યું છે. તંત્ર દ્વારા ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં મીઠાઈ, નમકીન, ડ્રાયફ્રૂટ, મુખવાસ, ખાદ્ય તેલ, ઘી, બેસન, દૂધ અને તેની બનાવટો સહિતના રો મટીરિયલ્સની ગુણવત્તા તપાસવા માટે એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને બજારમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે.

આ વિશેષ ડ્રાઇવના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ગોધરાના ડૉ. ગિધવાણી રોડ પર આવેલી કિશોરકુમાર થાવરદાસ હેમનાની નામની પેઢીમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં વેચાણ માટે રાખવામાં આવેલું ઘી શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ તેના 3 નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ ચકાસણી માટે ગુજરાત સરકારની સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી ઘીની અસલિયત અને ગુણવત્તા સ્પષ્ટ થઈ શકે.

આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા ઘીનો અંદાજિત રૂા.57,200નો બાકીનો જથ્થો એફ.બી.ઓ.ની સેફ કસ્ટડીમાં સીઝ કરી દેવામાં આવ્યો છે. હાલ લેબોરેટરીનો રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે, અને રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી મિલાवटખોરોમાં હડકંપ મચી ગયો છે અને આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.

LATEST ARTICLES