લુણાવાડા તાલુકાના પટ્ટનથી ચનપુર જવાના મુખ્ય રસ્તા પર હાલમાં ભારે હાલાકી સર્જાઈ છે. આ માર્ગ પર આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા નાહવા-ધોવાનું પાણી તેમજ તબેલાઓની ગંદકી સીધી રોડ પર જ ખુલ્લી છોડી દેવામાં આવી રહી છે. આ ગંદા પાણીના કારણે આખો રસ્તો પ્રભાવિત થયો છે અને લોકોનું અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે.
આ સતત વહેતા ગંદા પાણીના પ્રતાપે રોડ પર ઠેર-ઠેર કાદવ-કીચડ અને લીલ વળી જવાની ગંભીર સમસ્યા પેદા થઈ છે. જેના પરિણામે આ રસ્તેથી અવર-જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજની વેળાએ કામકાજ અર્થે આવતા-જતા રાહદારીઓને આ કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ ગામના સરપંચને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર કે સરપંચ દ્વારા આ બાબતે કોઈ જ સંતોષકારક પગલાં કે કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
