પાદરા તાલુકાના નાના એવા ચિત્રાલ ગામની શ્રી સાગર વિદ્યાલયના બે પ્રવીણ વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિમત્તાના બળે સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરતા સિદ્ધરાજસિંહ ઘનશ્યામભાઈ પઢિયાર અને તન્મય કોમિલકુમાર પટેલે સાયન્સ ફેરમાં એક પછી એક એમ કુલ 7 તબક્કાઓ સફળતાપૂર્વક પાર કરીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ભોપાલ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના પ્રેઝન્ટેશનમાં મુલાકાતીઓના સર્વે દરમિયાન આ બંને હોશિયાર વિદ્યાર્થીઓની Mathematical Atomic Bomb નામની સાયન્સ કૃતિ દેશભરના શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટોમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
આ વિદ્યાર્થીઓની અનોખી સાયન્સ કૃતિ ઉપરાંત તેમની પ્રભાવશાળી પ્રસ્તુતિ અને શાનદાર વક્તૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને એક મોટું સન્માન મળ્યું છે. નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એટલે કે લોકસભામાં આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ભવ્ય ઉજવણીના કાર્યક્રમમાં આ બંને વિદ્યાર્થીઓ પોતાનું વક્તવ્ય રજૂ કરવાના છે. આ ગૌરવવંતા પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે પ્રાથમિક વિભાગના આચાર્ય અને માર્ગદર્શક હીરલકુમાર રમેશભાઈ પટેલ તેમજ એક વાલી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે દેશની સૌથી મોટી સંસદમાં પોતાની પ્રતિભા રજૂ કરશે તે બાબત સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગત માટે અત્યંત આનંદ અને ગર્વની ક્ષણ છે. આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શ્રી સાગર કેળવણી મંડળ, શાળા પરિવાર, CRC, BRC, તાલુકા શિક્ષણાધિકારી, DPEO તથા DEO સહિતના અધિકારીઓએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા બાળકોને જરૂરી સહાય અને માર્ગદર્શન આપીને દિલ્હી સુધીની આ સફરમાં મોટો સહયોગ આપવામાં આવ્યો છે, જ્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ ખાસ શુભેચ્છાઓ પાઠવી છે.
