હોલીવુડ અભિનેત્રી મેગન ફોક્સ માટે માલિબુ સ્થિત એક સુંદર ડ્રીમ હોમ ખરીદવું કોઈ ખરાબ સપના જેવું સાબિત થયું હતું, કારણ કે બહારથી આકર્ષક દેખાતી આ પ્રોપર્ટીમાં અંદર મોલ્ડ, વોટર ડેમેજ અને અન્ય ગંભીર ખામીઓ નીકળી હતી. અભિનેત્રીએ મે 2016માં બ્રાડ પિટના મેનેજર સિન્થિયા પેટ-ડાન્ટે પાસેથી અંદાજે 3,300 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું આ 4 બેડરૂમવાળું મકાન 3.3 મિલિયન ડૉલર આપીને ખરીદ્યું હતું. આ સુંદર એસ્ટેટમાં સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોર્ટ, ગ્રીનહાઉસ અને બોહેમિયન લુક જેવા અનેક આકર્ષણો હતા, પરંતુ આ સુંદરતા પાછળ છુપાયેલી ગંભીર સમસ્યાઓએ બાદમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો.
પ્રોપર્ટી ખરીદ્યાના આશરે 2 વર્ષ પછી એટલે કે 2018માં મેગન ફોક્સે વેચનાર અને અન્ય સંલગ્ન લોકો સામે કોર્ટમાં 5 મિલિયન ડૉલરનો દાવો ઠોકી દીધો હતો. અભિનેત્રીનો આરોપ હતો કે ઘરની ખરાબ સ્થિતિ અને મોલ્ડને કારણે તેને ક્રોનિક માઈગ્રેન, સ્ટ્રેસ અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય સેપ્ટિક ટેન્કમાં સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામ જેવા મુદ્દા પણ ઉછળ્યા હતા. સામે પક્ષે વેચનારના વકીલોનું કહેવું હતું કે ડીલ ફાઈનલ કરતા પહેલા જ મેગન અને તેની ટીમ^{*}=\mathrm{m}$ તમામ ખામીઓ વિશે પહેલેથી જણાવી દેવામાં આવ્યું હતું, અને અભિનેત્રીએ પણ સ્વીકાર્યું હતું કે તેણે પ્રોફેશનલ્સ પર ભરોસો રાખીને અમુક ડોક્યુમેન્ટ્સ જાતે વાંચ્યા નહોતા.
આખરે આ કાનૂની લડાઈ 2021માં પૂરી થઈ જ્યારે મેગન ફોક્સે 5 મિલિયન ડૉલરના દાવા સામે માત્ર 100k ડૉલરના સેટલમેન્ટનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને 3 વર્ષ જૂનો કેસ બંધ થયો હતો. કાનૂની વિવાદ પૂરો થયા બાદ એ જ વર્ષે એપ્રિલમાં આ પ્રોપર્ટી ફરીથી 4.65 મિલિયન ડૉલરની કિંમતે માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ કિસ્સો એ વાતની યાદ અપાવે છે કે સેલિબ્રિટી કે મોંઘી લક્ઝરી પ્રોપર્ટી ખરીદતી વખતે માત્ર સુંદર દેખાવ પર ભરોસો ન કરતા પ્રોપર્ટીના કાગળો અને ઈન્સ્પેક્શનની બાબતમાં હંમેશા સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
