દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ ખેડા જિલ્લાના ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 11 તાલુકાઓની કુલ 422 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનું બ્યૂગલ ગમે ત્યારે ફૂંકાય તેવી પૂરી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડિસેમ્બર 2021માં આ ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 432 ગ્રામ પંચાયતો હતી. પરંતુ તેમાંથી 10 ગ્રામ પંચાયતો નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળી જવાથી હવે 422 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના એંધાણ મળતા જ ગામડાઓમાં અનેક સામાજિક અને ધાર્મિક પ્રસંગોના બહાને અંદરખાને પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.
આ ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અહીં કોઈ રાજકીય પક્ષનું સત્તાવાર પ્રતિક કે મેન્ડેટ હોતું નથી. અહીં ઉમેદવારનું વ્યક્તિગત વર્ચસ્વ, સામાજિક પ્રતિષ્ઠા, કુટુંબ અને જ્ઞાતિના સમીકરણો જ જીત-હાર નક્કી કરતા હોય છે. જિલ્લાની આ 422 ગ્રામ પંચાયતોમાં અંદાજે 9 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 5 લાખથી વધુ પુરૂષ અને 4 લાખથી વધુ સ્ત્રી મતદારો સામેલ છે. જો તાલુકાવાર વાત કરીએ તો સૌથી વધુ 93 ગ્રામ પંચાયતો કપડવંજ તાલુકામાં છે, જ્યારે સૌથી ઓછી 14 પંચાયતો નવા બનેલા ફાગવેલ તાલુકામાં આવેલી છે. આ ઉપરાંત નડિયાદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે.
સરપંચ અને અંદાજે 3830 વોર્ડના સભ્યોની મુદત આગામી જાન્યુઆરીમાં પૂરી થતી હોવાથી ડિસેમ્બરના અંત સુધીમાં સત્તાવાર ચૂંટણી જાહેર થઈ શકે છે. પાણી, વીજળી અને રસ્તા જેવા પાયાના પ્રશ્નો આ ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ બનવાના છે. ભલે સાંસદો, ધારાસભ્યો કે પંચાયતના સભ્યો પોતપોતાના સમર્થકોને જીતાડવા એડીચોટીનું જોર લગાવતા હોય, પરંતુ મેદાન પરની સીધી ટક્કર સ્થાનિક અગ્રણીઓ વચ્ચે જ જામશે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારયાદી સુધારણા સહિતની તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
