જામનગરની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય ખાતે નવરાત્રિ મહોત્સવના સમાપન નિમિત્તે બાય-બાય નવરાત્રિ-2026 અને દીકરીઓને ઈનામ વિતરણનો ભવ્ય સમારોહ યોજાયો હતો. સમાજજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની આગવી અદાથી ધૂમ મચાવનાર જુનિયર જેઠાલાલે ખાસ હાજરી આપીને ઉપસ્થિત સૌ કોઈને મન મૂકીને હસાવ્યા હતા અને શાનદાર મનોરંજન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગાયત્રી મંત્રના 3 વાર પાઠ સાથે સમૂહ મહાઆરતીથી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના ઉપપ્રમુખ વજુભાઈ પાબારી, ટ્રસ્ટીઓ ભરતભાઈ મોદી, હસમુખભાઈ હિન્ડોચા, દામભાઈ તન્ના, નિલેશભાઈ કાનાણી, અનિલભાઈ ગોકાણી સહિત મનપાના શાસકપક્ષના નેતા અમરભાઈ મોદી, કોર્પોરેટર નિકીતાબેન કોટક અને વિવિધ મહિલા મંડળો તથા ટ્રસ્ટોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની દીકરીઓ દ્વારા પ્રાચીન ગરબા રજૂ કરવામાં આવ્યા હતા અને સંસ્થા તેમજ અલગ-અલગ 10 દાતાઓ તરફથી દરેક દીકરીઓને અવનવા 10 ઈનામોની કીટ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર આયોજનનું સુંદર સંચાલન અને માર્ગદર્શન ટ્રસ્ટી નિલેશભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમાતા નીલાબેન દાવડા અને સહ-ગૃહમાતા ગીતાબેન તથા દીકરી ભક્તિ કોટેચાનો સહયોગ રહ્યો હતો.
આ નવરાત્રિ પર્વને વધુ યાદગાર બનાવતા જામનગરના યુવા ઉદ્યોગપતિ વિશાલભાઈ મોદી અને મનપાના શાસકપક્ષના નેતા અમરભાઈ મોદી દ્વારા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 35 દીકરીઓ માટે ખાસ દરિયાદિલી દાખવવામાં આવી હતી. નવરાત્રિના અંતિમ દિવસે આ દીકરીઓને અંદાજે રૂા. 3.5 લાખના ખેમના તથા 75 નંગ ચાંદીના પાયલની લ્હાણી કરવામાં આવી હતી. દીકરીઓ માટેની આ સુંદર ભેટસોગાદ અને ભવ્ય આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ દાતાઓ અને શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
