JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

ફ્રી ફાયર ગેમ રમતા રમતા પ્રેમમાં ફસાઈ સગીરા, જામનગર પોલીસે આસામથી પકડી પાડ્યો અપહરણ કરનાર

Oct 28, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
ફ્રી ફાયર ગેમ રમતા રમતા પ્રેમમાં ફસાઈ સગીરા, જામનગર પોલીસે આસામથી પકડી પાડ્યો અપહરણ કરનાર
જામનગરના એસટી બસ સ્ટેન્ડ પરથી એક સગીરાનું અપહરણ થયાના મામલામાં પોલીસે આસામ સુધી તપાસ લંબાવીને આઠ ઓક્ટોબર 2026ના રોજ ગુમ થયેલી બાળાને હેમખેમ શોધી કાઢી છે. મોબાઈલની ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સંપર્કમાં આવેલા 24 વર્ષિય યુવકે જ સગીરાને લલચાવીને ભગાડી ગ ગયો હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકો કેવી રીતે ઓનલાઈન ટ્રેપમાં ફસાઈ રહ્યા છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. ગત 8 ઓક્ટોબર 2026ના રોજ સાંજના સમયે જામનગર એસટી બસ સ્ટેન્ડ પરથી કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીર વયની દીકરી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવતા જમીન-આસમાન એક કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસની ટીમે આ કેસમાં સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે.

પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે સગીરા પોતાના મોબાઈલમાં ફ્રી ફાયર વીડિયો ગેમ રમતી હતી અને આ દરમિયાન આસામના એક યુવકે ગેમમાં જ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ ગેમમાં જ સગીરાનો મોબાઈલ નંબર મેળવી લીધો અને પછી ફોન પર વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવીને જામનગર બોલાવી હતી અને ત્યાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આ સગીરા છેક આસામના બોંગાઈગાંવ જિલ્લાના જોગીધોધા ગામે હોવાની પાક્કી બાતમી મળી હતી. જામનગર પોલીસે તાત્કાલિક આસામ દરોડો પાડીને 24 વર્ષિય આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરીને દબોચી લીધો હતો અને સગીરાને સહીસલામત મુક્ત કરાવી હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને અપહરણ કરાયેલી સગીરાને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દીધી છે. આ ઘટના બાદ જામનગર પોલીસે તમામ વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો ગણાવીને ગંભીર અપીલ કરી છે. આજકાલના સમયમાં બાળકો ઓનલાઈન ગેઈમ્સ અને સોશિયલ મીડિયાના રવાડે ચડીને અજાણ્યા લોકોના ભોગ બની રહ્યા છે, ત્યારે વાલીઓએ પોતાના સંતાનોની ઓનલાઈન ગતિવિધિઓ પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી બન્યું છે.

LATEST ARTICLES