ખંભાળિયા શહેરમાં અકસ્માતે આગ લાગવાની એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રહેણાંક મકાનને આગે પોતાની ચપેટમાં લઈ લીધું હતું. આ બનાવની મળતી માહિતી મુજબ, શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી હાઉસીંગ બોર્ડ પોલીસ લાઈન પાછળના ભાગે આ ધટના ઘટી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
આ બનાવની વિગતો મુજબ, ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ લંઘાના મકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ ઘરની અંદર રહેલો ઘરવખરીનો તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જેને કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ફાયરબ્રિગેડની સમયસરની એન્ટ્રીના કારણે આગ આસપાસના અન્ય મકાનોમાં ફેલાતી અટકી હતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનો હાશકારો લોકોએ અનુભવ્યો હતો.
