JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સ્પૈનમાં મોટો ટ્રેન અકસ્માત, હાઈ-સ્પીડ ટ્રેન પાછળ ધડાકાભેર અથડાતા 10 લોકોના મોત

Oct 28, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
સ્પૈનમાં મોટો ટ્રેન અકસ્માત, હાઈ-સ્પીડ ટ્રેન પાછળ ધડાકાભેર અથડાતા 10 લોકોના મોત
સ્પૈનના ટોલેડો પ્રોવિન્સમાં બુધવારે એક હાઈ-સ્પીડ ટ્રેન ઊભેલી ટ્રેનને પાછળથી અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મેડ્રિડથી અંડાલુસિયા સુધીની રેલ સેવાઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

સ્પૈનમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જ્યાં મધ્ય સ્પૈનના ટોલેડો પ્રોવિન્સમાં બુધવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. અહીં એક હાઈ-સ્પીડ ટ્રેન પાટા પર પહેલેથી જ ઊભેલી અન્ય એક ટ્રેનની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ભયાનક ટક્કરમાં ઓછામાં ઓછા 10 મુસાફરોનાં મોત થયા છે અને સ્થાનિક પ્રશાસને આશંકા વ્યક્ત કરી છે કે હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ ગંભીર દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે.

આ અકસ્માતમાં સામેલ ટ્રેનોની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ બંને હાઈ-સ્પીડ ટ્રેનો મેડ્રિડથી સેવિલ તરફ એક જ દિશામાં જઈ રહી હતી. આ ભયાનક ટક્કરમાં સરકારી કંપની RENFE દ્વારા સંચાલિત ટ્રેનમાં 397 મુસાફરો સવાર હતા, જ્યારે ખાનગી રેલ કંપની IRYO ની ટ્રેનમાં 147 મુસાફરો સવાર હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જોરદાર ટક્કરને કારણે કાસ્ટીલા-લા મંચા ક્ષેત્રમાં મેડ્રિડ, સિઉદાદ રિયલ અને અંડાલુસિયા વચ્ચેની તમામ રેલ સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ઉર્ડા ટાઉનના મેયરના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્તો અને ઈજાગ્રસ્તો માટે સ્થાનિક સ્પોર્ટ્સ પેવેલિયનને તૈયાર રાખવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સ્પૈનમાં રેલ નેટવર્ક સુરક્ષિત હોવા છતાં તાજેતરના સમયમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ દક્ષિણ સ્પૈનમાં એક ગોઝારો ટ્રેન અકસ્માત થયો હતો જેમાં 45 લોકોના મોત થયા હતા, જેણે દેશના હાઈ-સ્પીડ રેલ network ની સુરક્ષા પર મોટા સવાલો ખડા કર્યા હતા. હાલની આ તાજી દુર્ઘટનાને પગલે પ્રશાસન હરકતમાં આવી ગયું છે અને પ્રાદેશિક સરકારના પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

LATEST ARTICLES