દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની રફ્તાર થોડીધીમી પડી છે. બુધવારના રોજ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા IIP (ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન) ના તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા મુજબ સપ્ટેમ્બર મહિનામાં દેશનો ઔદ્યોગિક વિકાસ દર 6.7 ટકા રહ્યો છે, જ્યારે આનાથી પહેલાંના એટલે કે ઓગસ્ટ મહિનામાં આ ગ્રોથ રેટ 8 ટકા જેટલો મજબૂત હતો. આમ, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ગ્રોથ રેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, છતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું પ્રદર્શન હજુ પણ સારૂં જળવાઈ રહ્યું છે.
આ રિપોર્ટમાં સામે આવેલા સેક્ટરવાઇઝ આંકડાઓની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરે સપ્ટેમ્બરમાં 7.6 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. ખાસ કરીને મોટર વ્હીકલ્સ, ટ્રેલર્સ અને સેમિ-ટ્રેલર્સના ઉત્પાદનમાં 19.0 ટકાનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સનું મેન્યુફેક્ચરિંગ તો જબરદસ્ત 33.9 ટકાના શાનદાર ગ્રોથ સાથે સૌથી આગળ રહ્યું છે, જ્યારે રબર અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ 19.9 ટકાનો સારો વધારો નોંધાયો છે. આ સેક્ટર્સના દમ પર જ સપ્ટેમ્બર મહિનાનું ઔદ્યોગિક ચિત્ર મોટે ભાગે સકારાત્મક રહ્યું છે.
જો કે, તમામ ક્ષેત્રોમાં સરખો વિકાસ જોવા મળ્યો નથી કારણ કે અલગ-અલગ સેગમેન્ટ્સની સ્થિતિ જુદી રહી છે. ઇલેક્ટ્રિસિટી અને ગેસ સપ્લાય સેગમેન્ટે 11.2 ટકાનો મજબૂત ગ્રોથ મેળવ્યો છે અને વોટર સપ્લાય, સીવરેજ તથા વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરનો વિકાસ દર 5.8 ટકા રહ્યો છે. બીજી બાજુ, માઇનિંગ એન્ડ ક્વેરીંગ સેક્ટર માટે આ મહિનો નબળો સાબિત થયો છે કારણ કે તેમાં 6.2 ટકાનો ઘટાડો (કોન્ટ્રાક્શન) નોંધાયો છે. આગામી દિવસોમાં આ માઇનિંગ સેક્ટરની રફ્તાર સુધરે અને તહેવારોની સિઝનને કારણે ઓગસ્ટ જેવો સારો ગ્રોથ પાછો આવે તેવી ઉદ્યોગ જગતને આશા છે.
