જામનગરમાં વનતારાના યજમાનપદે 'યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ' એટલે કે EARAZAની વાર્ષિક કોન્ફરન્સ 2026નો શાનદાર પ્રારંભ થયો છે. "વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીના સુદ્રઢીકરણ" થીમ પર આધારિત આ ચાર દિવસીય સંમેલનનો ઉદ્ઘાટન સમારોહ ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા પ્રખ્યાત સંગીતકાર રિકી કેજની સંગીતમય પ્રસ્તુતિ અને દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ ભવ્ય આયોજનમાં દુનિયાભરના વન્યજીવ પ્રેમીઓ અને સંરક્ષકો એક જ મંચ પર આવ્યા છે, જે વન્યજીવ સંભાળ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા તરફ જઈ રહ્યો છે.
આ કોન્ફરન્સમાં 30 દેશોની 98 સંસ્થાઓ અને ભારતની 29 ઝૂઓલોજિકલ સંસ્થાના અગ્રણીઓ, વેટરનરી ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો તથા વન્યજીવ સંરક્ષકો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન વનતારાના સીઈઓ વિવાન કરાણીએ તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ 'ANTZ સોફ્ટવેર' વિનામૂલ્યે આપવાની મોટી જાહેરાત કરી હતી. આ ચાર દિવસ દરમિયાન સરહદોને બાજુ પર મૂકીને સહિયારા જ્ઞાન, ડેટા અને પશુ કલ્યાણના ધોરણો સુધારવા પર ઊંડું મંથન ચાલી રહ્યું છે. વળી, પ્રદર્શન ક્ષેત્રમાં 7 દેશોના 13 પ્રદર્શકો દ્વારા અત્યાધુનિક સાધનો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વનતારાના પેવેલિયનમાં 'વેસ્પર' એજ AI બાયોએકોસ્ટિક મોનિટર, સ્માર્ટ એગ એનાલિસિસ અને બેલ્ટ-વોર્ન NFC ડિવાઇસ જેવા આધુનિક ટેકનોલોજી ટૂલ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
કોન્ફરન્સના અંતિમ દિવસે 'ઇન્ડિયન ઝુ યર બુક' 2026નું વિમોચન કરવામાં આવશે અને સાથે જ વન્યજીવ સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મોસ્કો ઝૂના સુશ્રી સ્વેત્લાના અકુલોવા, ચેક રિપબ્લિકના રેને ફ્રેનેક, બાકુ ઝૂના અઝેર હુસેનોવ તેમજ ભારતના એસ. સી. શર્મા, ડો. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલ સહિતના 6 દિગ્ગજોને 'લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. 29 ઓક્ટોબરના રોજ સાંજે વર્ષ 2027ના યજમાનને EARAZAનો ધ્વજ સોંપવાની વિધિ સાથે આ વૈશ્વિક મહાસંમેલનનું સફળ સમાપન થશે, જે ભવિષ્યમાં વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં અત્યંત દૂરગામી પરિણામો લાવશે.
