ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે રૂ।. 8500 ની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત સામે ખંભાળિયા તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચોએ સામૂહિક રીતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની હાલત અત્યંત દયાજનક બની ગઈ છે ત્યારે આ પ્રકારની નજીવી સહાયથી ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તેમ જણાવીને આગેવાનોએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે અને તાકીદે યોગ્ય સહાય જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂ।. 8500 ની રકમ ખેડૂતો માટે ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહી છે, તેથી આ સહાયમાં મોટો વધારો કરવામાં આવે. આ ઉપરાંત ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેનો ત્વરિત ઉકેલ લાવવા માટે ચોક્કસ આયોજન કરવાની માંગ કરાઈ છે. સાથે જ પશુપાલકોને નિયમિતપણે પૂરતો ઘાસચારો મળી રહે તે માટે વધુ ઘાસ ડેપો શરૂ કરવા અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રોજગારીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
જો રાજ્ય સરકાર દ્વારા આ રાહત અને સહાય અંગે સમયસર કોઈ સકારાત્મક ફેરવિચારણા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સરપંચો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આ તકે ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતો અને પશુપાલકોની આ ગંભીર સમસ્યાઓને લઈને તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવાય છે અને સરકાર સહાયમાં વધારો કરે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.
