રાજકોટ ડિવિઝનના એન્જિનિયરીંગ વિભાગ દ્વારા રેલવે માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ આપેલી માહિતી મુજબ, તા. 28 ના રોજ પશ્ચિમ રેલવે અંતર્ગત આવતા હાપા-ઓખા રેલવે સેકશનના લાખાબાવળ-પીપળી બ્લોક સેકશનમાં બ્રિજ નં. 391 ની અપ લાઈન પર આ મહત્વનું અપગ્રેડશન કરવામાં આવ્યું છે. વર્ષો જૂના સ્ટીલ ગર્ડર બદલવાના આ અટપટા કામને રેલવે ઇજનેરોએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
આ ટેકનિકલ કામગીરીને અંજામ આપવા માટે રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કુલ 6 પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રિટ એટલે કે પીએસસી સ્લેબ અને 4 રિટેનર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિશાળ કામગીરી 300 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી શક્તિશાળી ક્રેનની મદદથી તમામ નિર્ધારિત સુરક્ષા ધોરણો અને સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરીને પૂરી કરવામાં આવી હતી. આ ટેકનિકલ અપગ્રેડશનથી પુલની માળખાકીય મજબૂતાઈ અને વજન વહન કરવાની ક્ષમતામાં સીધો વધારો થયો છે.
આ નવા કોંક્રિટ સ્લેબ નંખાવાથી ભવિષ્યમાં ટ્રેક મેન્ટેનન્સનું કામ ખૂબ જ સરળ બની જશે અને અગાઉના સ્ટીલ ગર્ડરની સરખામણીએ જાળવણીનો ખર્ચ તેમજ સમય બંનેની મોટી બચત થશે. પુલ મજબૂત બનવાથી ટ્રેન સંચાલનની કાર્યક્ષમતા અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, જેનાથી મુસાફરો માટે ટ્રેનનો પ્રવાસ વધુ સુરક્ષિત, સરળ અને અવિરત બની રહેશે. રેલવે પ્રશાસનની આ ઉત્તમ કામગીરીથી વિસ્તારમાં રેલવે વ્યવહાર વધુ વેગવાન બનશે.
