JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જિયોમાં વિશ્વાસ મૂકનારા કરોડો ભારતીયોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા અનંત અંબાણી

Oct 28, 2026 | 16:05 | By JAMNAGAR MIRROR
જિયોમાં વિશ્વાસ મૂકનારા કરોડો ભારતીયોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા અનંત અંબાણી
સ્ટોક એક્સચેન્જમાં જિયોના ઐતિહાસિક પ્રવેશ પ્રસંગે અનંત અંબાણીએ દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે આ સફળતાને દાદા ધીરુભાઈ અંબાણીના સપનાં અને પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ વિઝનને સમર્પિત કરી હતી.

વ્યવસાય એ જ પૂજા છે અને સ્ટોક એક્સચેન્જમાં વાગતી ઘંટડી મંદિરના નાદ સમાન છે તેવું જણાવતા અનંત અંબાણીએ જિયોની સફળતાનો શ્રેય કરોડો દેશવાસીઓને આપ્યો છે. જિયોના ઐતિહાસિક દિવસ નિમિત્તે તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત કૃતજ્ઞતા અને જય શ્રીકૃષ્ણથી કરી હતી. તેમણે આ પ્રસંગને ભગવાન શ્રીગણેશજી, દ્વારકાનાથજી, શ્રીનાથજી, બાલાજી અને ભારતમાતાના ચરણોમાં સમર્પિત કર્યો હતો. ચોરવાડના સામાન્ય ઘરમાંથી નીકળીને એડનમાં પેટ્રોલ પંપ પર નોકરી કરનાર દાદા ધીરુભાઈ અંબાણીથી લઈને જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરવા સુધીની સફરને તેમણે યાદ કરી હતી.

ઈશા દીદી અને આકાશ ભાઈ દ્વારા રોપાયેલા જિયોના છોડને આજે દેશભરના 53 કરોડ સભ્યોનો અદભુત પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે તેમ અનંત અંબાણીએ જણાવ્યું હતું. કોરોના કાળમાં શાળાઓ બંધ રહી પણ જિયોના લીધે બાળકોનું શિક્ષણ અટક્યું નહીં, વીડિયો કોલથી પરિવારજનો એકબીજા સાથે જોડાયેલા રહ્યા અને સરહદ પર તહેનાત જવાનો કે ઓનલાઇન ઇન્ફ્લુએન્સર્સ તથા ડોક્ટરો ટેકનોલોજીની મદદથી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે. ઈશા દીદી, આકાશ ભાઈ અને પોતે ભલે ત્રણ અલગ વ્યક્તિઓ હોય પરંતુ સૌની આત્મા અને સંકલ્પ એક જ ભારતનાં સપનાં સાકાર કરવાનો છે તેમ તેમણે ભાવુક થઈને કહ્યું હતું. વરસાદ અને કાળઝાળ ગરમીમાં ટાવર પર ચઢીને કામ કરનારા ટેક્નિશિયનો, એન્જિનિયરો અને ફિલ્ડ ટીમના સભ્યોની મહેનતને પણ તેમણે બિરદાવી હતી.

ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરવામાં સતત માર્ગદર્શન આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતીકાલ ભારતની છે અને દેશના યુવાનો વિકસિત ભારતના સપનાને પૂરતી નિષ્ઠા અને સમર્પણ સાથે પૂરું કરશે. જિયો પરિવારના પ્રત્યેક સભ્ય અને રિટેલ પાર્ટનર્સના સહયોગ વગર આ સફળતા શક્ય નહોતી તેમ જણાવીને સૌને જય હિન્દ અને જય શ્રીકૃષ્ણ સાથે વંદન કર્યા હતા.

LATEST ARTICLES