JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ક્રિકેટ રેન્કિંગમાં મોટો ફેરફાર: જાડેજાએ ગુમાવ્યું નંબર 1 તાજ, અભિષેક શર્મા ફરી ટોચ પર

Oct 28, 2026 | 15:31 | By JAMNAGAR MIRROR
ક્રિકેટ રેન્કિંગમાં મોટો ફેરફાર: જાડેજાએ ગુમાવ્યું નંબર 1 તાજ, અભિષેક શર્મા ફરી ટોચ પર
આઈસીસીની તાજી રેન્કિંગમાં ભારતીય સ્ટાર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ઓલરાઉન્ડરનું 4 વર્ષ જૂનું નંબર 1 સિંહાસન ગુમાવ્યું છે, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ ટી-20 બેટિંગ રેન્કિંગમાં ફરીથી પહેલું સ્થાન મેળવી લીધું છે. સાઉથ આફ્રિકાના માર્કો યાનસેને પણ શાનદાર પ્રદર્શન કરીને મોટો ઉછાળો હાંસલ કર્યો છે.

િકેટ જગતમાં આઈસીસીની તાજેતરની રેન્કિંગે મોટા ઉલટફેર સર્જ્યા છે, જેમાં ભારત અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ચર્ચાના કેન્દ્રમાં છે. લાંબા સમયથી ટેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં નંબર 1નું સ્થાન જાળવી રાખનાર ભારતીય અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ હવે પોતાનું આ તાજ ગુમાવવું પડ્યું છે. આ સાથે જ ટી-20 ફોર્મેટમાં પણ ભારતીય કેમ્પ માટે ખુશીના સમાચાર આવ્યા છે, જ્યાં યુવા ઓપનર અભિષેક શર્માએ ફરીથી દુનિયાભરના બોલરો પર પોતાની દહેશત કાયમ કરતા નંબર 1 સ્થાન પર કબ્જો જમાવ્યો છે.

સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કો યાનસેને ગ્કેબેર્હા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમની શાનદાર જીતમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે કારકિર્દીમાં પહેલીવાર ટેસ્ટ બોલર અને ટેસ્ટ ઓલરાઉન્ડર બંને કેટેગરીમાં નંબર 1 બની ગયો છે. 26 વર્ષીય ડાબોડી પેસર યાનસેને આ મેચમાં બેટિંગથી 85 રન ફટકારવાની સાથે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં મેચ પલટી નાખનારી 5 વિકેટ પણ ઝડપી હતી. આ ઘાતક પ્રદર્શનના બળે યાનસેને ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી દીધા, જેમણે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ નંબર 1 સ્થાન પર એકછત્ર રાજ જમાવ્યું હતું. આ ઉપરાંત, સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા પણ શાનદાર રમત દાખવીને ટેસ્ટ બેટર્સની યાદીમાં ચોથા સ્થાનેથી સીધા બીજા નંબરે પહોંચી ગયા છે.

બીજી તરફ, ટી-20 ફોર્મેટમાં અભિષેક શર્માએ વેલિંગ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો અને આ મેચમાં તેણે કુલ 38 બોલમાં 113 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ તોફાની સેન્ચ્યુરીના જોરે ભારતે મેચ જીતીને સિરીઝ પણ પોતાના નામે કરી લીધી હતી અને અભિષેક સાથી ખેલાડી ઈશાન કિશનને પાછળ છોડીને ટી-20 બેટિંગ રેન્કિંગમાં ફરીથી ટોચના સ્થાને બિરાજમાન થઈ ગયો છે. વનડે ફોર્મેટની વાત કરીએ તો, ભારતીય કેપ્ટન શુભમન ગિલ હજુ પણ ઓડીઆઈ બેટર્સમાં નંબર 1 સ્થાન પર અકબંધ છે, જ્યારે વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે યથાવત રહ્યા છે.

LATEST ARTICLES