અમેરિકાના રેડમંડ શહેરમાં બનેલી એક ઘટનામાં ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેનો વિવાદ કાનૂની લડાઈ સુધી પહોંચ્યો હતો. એરિક ક્રિસ્ટીનસેન નામના ટેનન્ટે 15 જૂન 2020ના રોજ 2 વર્ષના લીઝ પર એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. આ પ્રોપર્ટીના માલિક લેરી સીઆરલેસ હતા, જેમણે બાજુમાં જ ઓટોમોબાઈલ વર્કશોપ શરૂ કરી હતી જ્યાં ક્લાસિક કાર્સને કલર કરવાનું કામ થતું હતું. વર્કશોપમાં વેન્ટિલેશન સિસ્ટમ હોવા છતાં પેઈન્ટના ઝેરી ધુમાડા અને રજકણો સીધા એરિકના ઘરમાં ઘૂસી જતા હતા. આના કારણે એરિકની તબિયત બગડવા લાગી અને તેને શારીરિક તથા માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. પરિસ્થિતિ વણસતા 8 સપ્ટેમ્બરે કાઉન્ટીના અધિકારીઓએ તપાસ કરી હતી અને ઘરને રહેવા માટે અસુરક્ષિત જાહેર કર્યું હતું, જેના પગલે બંને ટેનન્ટે ઘર ખાલી કરવું પડ્યું હતું.
આ મામલે ટ્રાયલ કોર્ટે મકાનમાલિકને દોષી ઠેરવતા એરિકને કુલ 95,904 ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેમાં શારીરિક પીડા માટે 25,000 ડોલર અને માનસિક ત્રાસ માટે 50,000 ડોલર એટલે કે કુલ 75,000 ડોલરની રકમ નક્કી થઈ હતી. આ ઉપરાંત લેન્ડલોર્ડ-ટેનન્ટ કાયદાના ભંગ બદલ વધારાના ડેમેજ ઉમેરીને કુલ રકમ 95,904 ડોલર પહોંચી હતી. મકાનમાલિકે આ ચૂકાદા સામે અપીલ કોર્ટમાં અરજી કરી હતી કે માનસિક ત્રાસ માટે કોઈ મેડિકલ પુરાવા નથી. પરંતુ, 26 ઓક્ટોબર 2026ના રોજ આપેલી ચુકાદાની વિગતો મુજબ, અપીલ કોર્ટે એરિકની શારીરિક બીમારી અને પીડાને ધ્યાનમાં રાખીને 75,000 ડોલરનું મુખ્ય વળતર યથાવત રાખ્યું હતું અને મેડિકલ પુરાવા ન હોવાની દલીલ ફગાવી દીધી હતી.
જોકે, અપીલ કોર્ટે નિયમોના આધારે વધારાના ટ્રિબલ ડેમેજની આશરે 20,903 ડોલરની રકમ રદ કરી દીધી હતી કારણ કે મકાનમાલિકને સરકારી તંત્ર તરફથી અગાઉથી કોઈ નોટિસ મળી નહોતી. સાથે જ વકીલની ફી અંગેની પ્રોસિડિંગ્સ યોગ્ય વિગતો સાથે ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવી છે. અંતે એરિકની લાંબી કાનૂની લડાઈ બાદ તેને શારીરિક અને માનસિક યાતના બદલ 75,000 ડોલર મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે, જ્યારે ફી અને અન્ય ખર્ચ અંગેનો મામલો હજુ નીચલી કોર્ટમાં આગળની કાર્યવાહી માટે પેન્ડિંગ છે.
