જામનગરના વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમાજના ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. ધો.1 થી લઈને કોલેજ સુધીના અભ્યાસમાં ઉત્તીર્ણ થઈને પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવ્ય સન્માન સમારોહ અને સાથેસાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ રાવલ તેમજ આમંત્રિત મહેમાનો અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ સકારાત્મક બની ગયું હતું.
આ વિશેષ સમારોહમાં જામનગરના મેયર મોનીકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર રાકેશભાઈ ડેર, સ્થાયી સમિતિના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક જૂથના નેતા અમરભાઈ મોદી તેમજ કોર્પોરેટર હેતલબેન અમેથીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જ્ઞાતિના આગેવાનો અને બહારગામથી આવેલી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજની દીકરી હેતલબેન અમેથીયા કોર્પોરેટર બનતા મંડળ તથા મહિલા મંડળ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સમાજના તમામ તેજસ્વી છાત્રોને ઉત્તેજનાપૂર્વક શૈક્ષણિક કીટના ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન પાછળ યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ રાવલ, મંત્રી રાજેશભાઈ ઉનાગર, પ્રો. ચેરમેન મનિષભાઈ સરવૈયા તેમજ કારોબારી હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રાજેશભાઈ ઉનાગરે કર્યું હતું, જ્યારે ઉદાર દાતાઓ અને ભોજન સમારોહના દાતા પરસોત્તમભાઈ રૂડકીયા તથા તેમના પરિવારજનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
