JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

જામનગર એસ.ટી. વિભાગની દિવાળી ભેટ, મુસાફરો માટે દોડશે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો

Oct 28, 2026 | 16:18 | By JAMNAGAR MIRROR
જામનગર એસ.ટી. વિભાગની દિવાળી ભેટ, મુસાફરો માટે દોડશે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો
દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરો માટે જામનગર એસ.ટી. વિભાગે ખાસ આયોજન કર્યું છે. તા. 04 થી તા. 24 નવેમ્બર દરમિયાન વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને ડેપો પર એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.

દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોતાના વતન કે પરિવાર સાથે તહેવાર ઉજવવા જતાં મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મુસાફરોને બસમાં ધક્કા ખાવા ન પડે અને તેઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ બસોનું સંચાલન આગામી તા. 04/11/2026 થી તા. 24/11/2026 દરમિયાન કરવામાં આવશે, જેથી નાગરિકોની મુસાફરી એકદમ આરામદાયક બની રહે.

આ વિશેષ સુવિધા અંતર્ગત જામનગર અને દ્વારકા ડેપોમાંથી વિવિધ મુખ્ય રૂટો પર બસો દોડાવવામાં આવશે. જેમાં દ્વારકા-જામનગરનું ભાડું 206 રૂપિયા, દ્વારકા-રાજકોટનું 276 રૂપિયા, દ્વારકા-પોરબંદરનું 175 રૂપિયા, દ્વારકા-સોમનાથનું 284 રૂપિયા, તેમજ દ્વારકા-જૂનાગઢનું ભાડું 264 રૂપિયા નક્કી કરાયું છે. આ ઉપરાંત જામનગરથી દાહોદનું ભાડું 456 રૂપિયા, સંજેલીનું 434 રૂપિયા, જૂનાગઢનું 200 રૂપિયા, ઝાલોદનું 420 રૂપિયા, છોટાઉદેપુરનું 428 રૂપિયા તેમજ ધ્રોલ, ખંભાળિયા અને જામજોધપુરથી પણ વિવિધ લાંબા અંતરના રૂટો પર નિયત ભાડા સાથે બસો ઉપલબ્ધ રહેશે. મુસાફરોની સગવડ માટે હાલ ડેપો ખાતેથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા એક ખાસ સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં જો એક જ ગ્રુપના 51 કે તેથી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો નિગમ દ્વારા તેમના માટે ખાસ એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે. તહેવારોના આ દિવસોમાં કોઈપણ મુસાફરને મુશ્કેલી ન પડે તે માટે જામનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક દ્વારા તમામ નાગરિકોને એસ.ટી. નિગમની આ એક્સ્ટ્રા બસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

LATEST ARTICLES