JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દ્વારકા અને કલ્યાણપુરમાં જળસંકટ ઘેરૂ બન્યું, ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને કરી ખાસ રજૂઆત

Oct 28, 2026 | 16:17 | By JAMNAGAR MIRROR
દ્વારકા અને કલ્યાણપુરમાં જળસંકટ ઘેરૂ બન્યું, ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને કરી ખાસ રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પાણીની વિકટ પરિસ્થિતિ અંગે ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે. જીવાદોરી સમાન સાની ડેમમાં વહેલી તકે પાણી ભરીને પીવાના પાણી, સિંચાઈ અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને ન વરસતા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના કુલ 114 ગામોમાં ગંભીર જળસંકટ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, ખેડૂતો માટે સિંચાઈ અને મૂગા પશુધન માટે ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે. આ જળસંકટના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જિલ્લાના 15 જેટલા નાના-મોટા ડેમોમાં અત્યારે માંડ 1 થી 2 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જેમાં દ્વારકાના 42 અને કલ્યાણપુરના 72 ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ખેડૂતો અને પશુપાલકો પાસે હાલ માંડ 10 થી 15 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે અને સાની ડેમ પણ સાવ ખાલીખમ્મ છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો પશુઓને અન્યત્ર હિજરત કરવાની નોબત આવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પીવાના પાણીની જરૂરિયાતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે.

આ અગાઉ પણ પાણીની તકલીફ સર્જાઈ હતી ત્યારે ધારાસભ્યએ પોતાની વાડીએથી ટેન્કરો ભરીને 24 કલાક પાણી પહોંચાડ્યું હતું અને આ વર્ષે પણ જરૂર પડે તેવી પૂરી તૈયારી હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ દુષ્કાળગ્રસ્ત જેવા આ વિસ્તારના લોકો અને પશુઓને બચાવવા માટે સરકારના ધારાધોરણ મુજબ વહેલાસર સાની ડેમમાં પાણી ભરીને પીવાના તથા સિંચાઈના પાણીની કાયમી રાહત આપવામાં આવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

LATEST ARTICLES