દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો માનવ વસ્તી નજીક આવી ચડવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે તાજેતરમાં ખંભાળીયા અને ભાણવડ તાલુકામાંથી વિશાળકાય અજગર મળી આવવાની ઘટનાઓ ચર્ચાનો વિષય બની છે. ખંભાળીયા તાલુકાના વિંજલપર ગામે એકાએક 10 ફૂટ લાંબો અજગર નજરે પડતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે દોડાદોડી મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ જ પ્રકારે ભાણવડ તાલુકાના રાણપરડા ગામ પાસે પણ એક અજગર દ્વારા શિયાળનો શિકાર કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વન વિભાગ તેમજ એનિમલ સંસ્થાઓને જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતા જોતા સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ધોરણે સંબંધિત સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી ખંભાળીયાની એનિમલ કેર સંસ્થાના કાર્યકરો કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાઈ તાત્કાલિક વિંજલપર ગામે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ 10 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્કયૂ કર્યું હતું. બીજી તરફ, ભાણવડના રાણપરડા ખાતે બનેલી ઘટનામાં આર.એફ.ઓ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ભાણવડની એનિમલ લવર્સ સંસ્થાના અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ રેસ્કયૂ ઓપરેશનમાં અશોકભાઈ ભટ્ટની સાથે સોહિલભાઈ, વિજયભાઈ ખુંટી, મેરામણભાઈ ભરવાડ અને હરિશ વાઘેલા સહિતની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી અને શિયાળનો શિકાર કરનાર આ અજગરને પણ સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
બંને સ્થળોએ વન્યજીવ પ્રેમીઓ અને સંસ્થાના યુવાનોની સમયસૂચકતાને કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટળી ગઈ હતી અને મૂગા જીવોને પણ સુરક્ષિત બચાવી લેવાયા હતા. પકડવામાં આવેલા બંને અજગરોને વન વિભાગના સહયોગથી સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવાની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ પ્રકારના રેસ્કયૂ ઓપરેશનથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વન્યજીવોના રક્ષણ માટે આગળ પણ આવી જ રીતે ત્વરિત મદદ મળતી રહે તેવી લોકભાવના વ્યક્ત થઈ છે.
