જામનગરની આઈટીઆઈ સંસ્થામાં અભ્યાસ કરતા છાત્રોને પડતી પ્રાથમિક સુવિધાઓની મુશ્કેલીઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાને આવી છે. વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે ABVPના આગેવાનો અને કાર્યકરોએ સંસ્થાના પ્રિન્સીપાલને રૂબરૂ મળીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સંસ્થામાં પૂરતી સગવડોના અભાવે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
આવેદનપત્રમાં મુખ્યત્વે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની તેમજ વોશરૂમની યોગ્ય અને સુચારૂ વ્યવસ્થા જ નથી. આ ઉપરાંત સંસ્થાના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ભરવા માટે તથા એડમિશન રદ કરી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાની ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે, જેને લઈને છાત્રોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
વિદ્યાર્થી સંગઠને આ મામલે કડક રૂખ અપનાવતા ચીમકી આપી છે કે જો આગામી 3 દિવસની અંદર આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ચીમકીના પગલે આગામી દિવસોમાં સંસ્થા તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવે છે અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે છે તે જોવું રહ્યું.
