JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામે રૂ. 3.47 કરોડના ખર્ચે સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

Oct 28, 2026 | 16:20 | By JAMNAGAR MIRROR
જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામે રૂ. 3.47 કરોડના ખર્ચે સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા કાલાવડ સીમાણી સ્કીમના રીસ્ટોરેશન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી દરિયાની ખારાશ અટકશે અને આસપાસના 5 હજારથી વધુ ખેડૂતો તેમજ પશુપાલકોને મીઠા પાણીનો મોટો લાભ મળશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામે સિંચાઈ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાલાવડ સીમાણી સીમાણી સ્કીમના રૂ. 3.47 કરોડના ખર્ચે થનાર રીસ્ટોરેશન કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા અને ધારાસભ્ય મૂળુભાઈ બેરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે, જેનાથી આ વિસ્તારના ગ્રામીણ વિકાસને વેગ મળશે.

આ પ્રોજેક્ટ હેઠળ કાલાવડ સીમાણી ગામે આવેલ રિક્લેમેશન સ્કીમનું રીપેરીંગ કરવામાં આવશે, જેનાથી જમીનમાં દરિયાની ખારાશ આગળ વધતી અટકાવી શકાશે. આ કામ પૂર્ણ થવાથી કાલાવડ સીમાણી, આથમણા બારા, વચલાબારા, ઉગમણા બારા, દખણાદા બારા અને ચુડેશ્વર સહિતના ગામોના 5 હજારથી વધુ ખેડૂતો અને પશુપાલકોને પરોક્ષ રીતે મીઠા પાણીનો લાભ મળશે. જમીનની ખારાશ દૂર થવાથી બિનઉપજાઉ જમીન સુધરશે અને ખેડૂતો સારી રીતે ખેતી કરી શકશે.

આ યોજના અમલમાં આવવાથી સિંચાઈ વિસ્તારમાં વધારો થશે, જેની સીધી અસર સ્થાનિક ખેડૂતો, મજૂરો અને પશુપાલકોની આવક ઉપર પડશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ ઉપરાંત, આ વિસ્તારમાં મીઠા પાણીના સરોવરનું નિર્માણ થવાથી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને આસપાસના જંગલ વિસ્તારને પણ મોટો ફાયદો થશે. ખાતમુહૂર્ત પ્રસંગે પી.એસ.જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LATEST ARTICLES