સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો, પક્ષકારો તેમજ વકીલ આલમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ એટલે કે SSRD અને ગુજરાત મહેસૂલ પંચ એટલે કે GRTની બેંચ કાયમી ધોરણે શરૂૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ ગંભીર મુદ્દે જુનિયર બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્ય માટે SSRDની મુખ્ય અદાલત અને કચેરી અમદાવાદના સોલા ખાતે કાર્યરત છે, જેના કારણે છેવાડાના વિસ્તારોમાંથી આવતા લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હાલની વ્યવસ્થા મુજબ જિલ્લા કલેક્ટરઓના જમીન મહેસૂલ સંબંધી આદેશો સામેની રિવિઝન અને અપીલ અરજીઓની સુનાવણી માત્ર અમદાવાદ ખાતે જ થાય છે. આ કારણોસર રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિતના 12થી વધુ જિલ્લાઓના અરજદારો અને વકીલોએ માત્ર એક જ સુનાવણી માટે સેંકડો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને અમદાવાદ જવું પડે છે. આ લાંબી મુસાફરીના કારણે પક્ષકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને સમયનો પણ બેફામ વ્યય થાય છે, જે હવે અસહ્ય બની ગયું છે.
આ લોકઉપયોગી પ્રશ્ને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવાય તે માટે આ પત્રની નકલો સોલા, અમદાવાદ સ્થિત SSRD તેમજ રાજકોટના જિલ્લા કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. જો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં જગ્યાની અનુકૂળતા ન રહે, તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાજકોટ મહેસૂલ ભવન એટલે કે કલેક્ટર કચેરી ખાતે આ બેંચ માટે જગ્યા અને વહીવટી સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂકવામાં આવ્યો છે. રાજકોટ આ સમગ્ર ક્ષેત્રનું કેન્દ્રબિંદુ હોવાથી અહીં કાયમી બેંચ શરૂ થવાથી હજારો લોકોને ઘરઆંગણે જ ઝડપી અને સસ્તો ન્યાય મળશે તેવી આશા બંધાઈ છે.
