રાજકોટમાં બહારનું ચાઈનીઝ ખાવાના શોખીન લોકોએ હવે ખરેખર ચેતવાની જરૂર છે, કારણ કે શહેરમાં વાસી અને અખાદ્ય નૂડલ્સનું બેફામ વેચાણ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરમાં ખાણીપીણીની અલગ-અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભારત ફૂડ્સ એન્ડ બેવરેજીસ નામની ઉત્પાદક પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી પેટમાં હજમ ન થઈ શકે તેવો અને બિલકુલ ખાવાલાયક ન હોય તેવો અંદાજિત 800 કિલો વાસી હક્કા નૂડલ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
આ વિશે માહિતી આપતા સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો. હાર્દિક બી. મહેતાએ જણાવ્યું હતું કે પકડાયેલા આ હક્કા નૂડલ્સના જથ્થામાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પેઢી દ્વારા નૂડલ્સનો જથ્થો ખૂબ જ ગંદકીવાળી અને અહાઈજિનિક કન્ડિશનમાં રાખવામાં આવ્યો હતો, જેને લઈને તેમને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન શહેરમાં કુલ 30 જેટલી પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ ચેકિંગમાં માત્ર નૂડલ્સ જ નહીં પરંતુ કુલ મળીને 841 કિલો જેટલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં એક કાફેમાંથી 31 કિલો વાસી મંચુરિયન અને વાસી શાકભાજી પણ મળી આવ્યા હતા.
આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 5 પેઢીઓને સ્ટોરેજ, ફૂડ લાઈસન્સ અને હાઈજિન બાબતે નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂ. 12,500 નો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કુલ 6 અલગ-અલગ નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
