ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે 50થી વધુ કાર બચી ગઇ.
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર માધવ વાટિકા સોસાયટીની શેરી નંબર-2 બાજુમાં આવેલા જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના તણખાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં પાર્ક કરેલી કુલ 6 મોંઘીદાટ ફોર-વ્હીલર કારો આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે વાહન માલિકોને અંદાજે કુલ રૂૂપિયા 52 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તારીખ 06/11ના રોજ સાંજે 17:40 કલાકે રામભાઈ નામના જાગૃત નાગરિકે આગ જોઈને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમો ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સાંજે 17:40 વાગ્યાથી લઈને 19:05 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ સંયુક્ત ઓપરેશનમાં મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે પ્લોટમાં પાર્ક કરેલી અન્ય અંદાજે 50 જેટલી ફોર-વ્હીલર કારોને બચાવી લેવાઈ હતી, જેનાથી આશરે રૂૂપિયા 3 થી 6 કરોડની કિંમતી વાહન મિલકતનો બચાવ થયો હતો અને મોટી હોનારત ટળી હતી.
