JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

અદાલતી આદેશનો અનાદર કરીને મરજી મુજબ કાર્યવાહી, અમદાવાદ કલેક્ટરને 1 લાખનો દંડ

Nov 07, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
અદાલતી આદેશનો અનાદર કરીને મરજી મુજબ કાર્યવાહી, અમદાવાદ કલેક્ટરને 1 લાખનો દંડ
ગુજરાત હાઇકોર્ટે અદાલતી આદેશોનો અનાદર કરવા બદલ અમદાવાદના કલેક્ટર સામે સખત વલણ અપનાવ્યું છે.
અદાલતે કલેક્ટરને તેમના પોતાના પગારમાંથી 1 લાખ રૂપિયાનો દંડ એક મહિનામાં હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદ તા.7 ગુજરાત હાઇકોર્ટે અદાલતી આદેશોનો સરેઆમ અનાદર કરવા અને કાયદાના શાસનને નેવે મૂકીને પોતે જ સર્વોપરી હોવાનો વર્તાવ કરવા બદલ અમદાવાદના કલેક્ટર સામે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટના સ્પષ્ટ દિશા-નિર્દેશો હોવા છતાં તેનો અમલ ન કરવા અને અરજદાર ભૂમિકાબેન ચિરાગકુમાર બ્રહ્મભટ્ટને વારંવાર કોર્ટના ધક્કા ખાવા મજબૂર કરવા બદલ જસ્ટિસ એમ. કે. ઠાક્કરની પીઠે કલેક્ટરના તે હુકમને રદબાતલ ઠેરવ્યો છે. સાથોસાથ અદાલતે અમદાવાદ કલેક્ટરને તેમના પોતાના પગારમાંથી 1 લાખ રૂપિયાનો દંડ એક મહિનામાં હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

અરજદાર ભૂમિકાબેન ચિરાગકુમાર બ્રહ્મભટ્ટે પોતાની ખેતીની જમીનને બિન-ખેતીમાં રૂપાંતરિત કરવા માટે અમદાવાદ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, જેને ગણોત ધારાની કલમ 63 ની મંજૂરી ન હોવાનું કારણ ધરીને કલેક્ટરે ફગાવી દીધી હતી. તારીખ 2 માર્ચ 2026ના રોજ હાઇકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે કલેક્ટરને માલિકી કે ટાઇટલની તપાસ કરવાનો અધિકાર નથી અને નિયત સમયમર્યાદામાં નવી અરજીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ મુજબ 7 એપ્રિલ 2026ના રોજ ફરીથી અરજી કરવા છતાં કલેક્ટર તંત્રએ કોઈ નિર્ણય ન લીધો અને 6 ઓગસ્ટ 2026ના રોજ અગાઉ રદ કરાયેલા જૂના કારણોસર જ ફરી અરજી ફગાવી દીધી હતી.

સુનાવણી દરમિયાન રાજ્યના સહાયક સરકારી વકીલે કબૂલ્યું હતું કે માર્ચ 2026ના આદેશ બાદ પણ સાત મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હાઇકોર્ટમાં કોઈ અપીલ દાખલ કરવામાં આવી નહોતી. જસ્ટિસ એમ. કે. ઠાક્કરે કડક શબ્દોમાં અવલોકન કર્યું હતું કે કલેક્ટર પોતે કાયદાથી પર હોવાનું સમજીને મનસ્વી વર્તી રહ્યા છે. હાઇકોર્ટે કલેક્ટરનો 6 ઓગસ્ટ 2026નો આદેશ રદ કરી અરજી મૂળ ફાઇલ પર પુનઃસ્થાપિત કરી છે અને સામાન્ય નાગરિકને વેઠવી પડેલી માનસિક અને આર્થિક યાતનાના વળતરરૂપે કલેક્ટરને પોતાના ગજવામાંથી 1 લાખ રૂપિયા દંડ પેટે જમા કરવાનો આદેશ આપ્યો છે.

LATEST ARTICLES