એક જ પરિવારના ચાર સભ્યો દાઝી જતાં પિતા અને બે વર્ષના પુત્રને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરવાની કામગીરી દરમિયાન અચાનક આગ લાગ્યા બાદ પેટ્રોલ ભરેલા કેનમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પિતા દિનેશભાઈ ઉર્ફે બિજલભાઈ ચોહાણ અને માત્ર બે વર્ષના માસૂમ પુત્ર દક્ષની હાલત ગંભીર હોવાથી બંનેને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે માતા સમજુબેન અને 14 વર્ષની પુત્રી દર્શનાબેન ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચીખલી ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે બિજલભાઈ ચોહાણની 14 વર્ષીય પુત્રી દર્શનાબેન ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરી રહી હતી. આ સમયે ઘરની ઓસરીમાં દીવા વગેરે રાખેલા હોવાથી પેટ્રોલનો છંટકાવ નજીકમાં રહેલા દીવા પર થતાં અચાનક આગ લાગી હતી. નજીકમાં જ આશરે 20 લીટર પેટ્રોલ ભરેલો કેન રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ભયાનક બની હતી અને જોરદાર ધડાકા સાથે કેનમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને રૂમમાં બેઠેલો માત્ર બે વર્ષનો માસૂમ દક્ષ આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.
ઘટનાની જાણ થતાં દુકાનેથી દિનેશભાઈ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને પુત્રને બચાવવા માટે જીવના જોખમે આગથી ઘેરાયેલા રૂમમાં ઘૂસી ગયા હતા. પુત્રને બચાવવા માતા સમજુબેન પણ આગની વચ્ચે પહોંચી ગયાં હતાં અને આ બચાવની જહેમતમાં પરિવારના ચારેય સભ્યો દાઝી ગયા હતા. આસપાસના લોકો દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી ગંભીર ઈજા પામેલા પિતા અને પુત્રને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે સભ્યોની ઉનામાં સારવાર ચાલી રહી છે.
