દિવાળીના દિવસે ફટાકડાના વ્યાપક ઉપયોગને કારણે પ્રદૂષણમાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારના એક દિવસ પહેલાં જ દેશની રાજધાની દિલ્હી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત મોટા શહેર તરીકે નોંધાઈ છે. સ્વિસ સંસ્થા IQAirના લાઇવ એર ક્વોલિટી રેન્કિંગ અનુસાર, 7 નવેમ્બર, શનિવારે સવારે દિલ્હીની હવા વિશ્વના મોટા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હતી. IQAirના સવારે 10.35 વાગ્યાના આંકડા અનુસાર, દિલ્હીમાં અમેરિકન એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 581 નોંધાયો હતો, જ્યારે પાકિસ્તાનના લાહોરનો AQI 285 હતો.
ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCBના આંકડા અનુસાર, શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીમાં AQI 363 નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, શુક્રવારે દિવાળી પહેલાં દિલ્હીમાં છેલ્લા આઠ વર્ષનું સૌથી ખરાબ હવા પ્રદૂષણ નોંધાયું હતું. શિયાળાની શરૂઆત સાથે ઉત્તર ભારતમાં પ્રદૂષણની સમસ્યા દર વર્ષે ગંભીર બને છે.
દિલ્હીમાં પ્રદૂષણ માત્ર દિવાળીના ફટાકડાને કારણે જ નહીં, પરંતુ વાહનોનો ધુમાડો, બાંધકામની પ્રવૃત્તિઓ, ઔદ્યોગિક ઉત્સર્જન અને પડોશી રાજ્યોમાં પાકના અવશેષો બાળવાથી પણ વધે છે. શિયાળાની ઠંડી અને ભારે હવાને કારણે આ પ્રદૂષકો લાંબા સમય સુધી વાતાવરણમાં ફસાઈ જાય છે અને દિવાળીના ફટાકડા આ સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.
