રાજકોટમાં ખાણી-પીણીના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ બ્રાન્ચે અચાનક ચેકિંગ હાથ ધરીને ખાધ પદાર્થોની ગુણવત્તા ચકાસી હતી. કાલાવડ રોડ પર રાધે ક્રિષ્ના પાર્ક -1 પાસે આવેલા ધ વ્હાઈટ ફ્યુમ્સ કાફેમાં ફૂડ ટીમ ત્રાટકી હતી અને ત્યાં ગંદકી તેમજ હાઈજીનની નબળી સ્થિતિને લઈને કડક કાર્યવાહી કરી હતી. આ તપાસ દરમિયાન કાફેમાંથી મંચુરિયન સહિતનો અખાદ્ય અને વાસી માલસામાન મોટા પ્રમાણમાં મળી આવતા દોડધામ મચી ગઈ હતી.
તપાસ દરમિયાન આ કાફેમાંથી એક્સપાયરી બેકરી પ્રોડક્ટ્સ, પ્રિપેડ વાસી ફૂડ આઈટમ્સ, પડતર લોટ, કાપેલા વાસી શાકભાજી, એક્સપાયરી પિઝા બેઝ, મસાલા અને વાસી નૂડલ્સ મળી આવ્યા હતા. આ તમામ અખાદ્ય સામગ્રીનું વજન કરતા કુલ 31 કિલો જથ્થો થયો હતો, જેને ફૂડ ટીમે તાત્કાલિક અસરથી સ્થળ પર જ નાશ કર્યો હતો. એટલું જ નહીં, ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ આ કાફે પાસેથી 2000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો અને હાઈજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ડ્રાઇવ દરમિયાન માત્ર એક જ જગ્યા નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાણી-પીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરાબજાર વિસ્તારમાં આવેલી માં વૈષ્ણવી કેળાં વેફરમાંથી વપરાશમાં લેવાયેલો 10 કિલો દાઝ્યો તેલનો જથ્થો નાશ કરી 500 રૂપિયાનો દંડ લેવાયો હતો. આ ઉપરાંત સાંગણવા ચોક, કિશાનપરા ચોક અને જામનગર રોડ પર આવેલી ખાધ્ય પ્રતિષ્ઠાનોમાંથી પણ પનીર, બેસન, સેવ અને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
