ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોના મૂરિયા એટલા ઊંડા થઈ ગયા છે કે હવે ખાખી વર્દીનો કે કાયદાનો પણ કોઈ ડર રહ્યો નથી. શહેરના અત્યંત ધમધમતા અને વ્યસ્ત ગણાતા રૂપમ ચોક વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ફરજ પર તૈનાત રહેલા ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર અજાણ્યા હુમલાખોરોએ અચાનક છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી ટ્રાફિક પોઇન્ટ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. છરીના ઘા વાગવાના કારણે લોહીલુહાણ થયેલા જવાન ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યા હતા, જેને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાની અફરાતફરી વચ્ચે ટ્રાફિક પોઇન્ટ પર હાજર ઇન્ચાર્જ PI અમીન પણ મામલો થાળે પાડવા અને બચાવ કરવા જતા સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર ઘટનાએ ભાવનગર પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરી દીધા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભાવનગર જિલ્લામાં માત્ર 10 દિવસના ટૂંકા સમયગાળામાં પોલીસ કર્મચારી કે અધિકારી પર હુમલો થવાની આ બીજી ઘટના સામે આવી છે. વારંવાર પોલીસ પર વધી રહેલા આ પ્રકારના હુમલાઓને કારણે સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે રોષ અને ઉકળાટની લાગણી વ્યાપી ગઈ છે.
પોલીસ કર્મી પર હુમલાની આ ગંભીર ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને રૂપમ ચોક અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોના પગેરું દબાવવાની કવાયત હાથ ધરી છે. ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરનાર માથાભારે અને બેફામ બનેલા શખ્સોને શોધી કાઢીને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
