નેશનલ હાઈવે પર ગાડી લઈને નીકળતા હોવ અને ટોલ ટેક્સ ભરવા માટે FASTagનો ઉપયોગ કરતા હોવ તો આ કામની ખબર તમારા માટે છે. આજકાલ FASTagને કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય ઘટી ગયો છે અને મુસાફરી એકદમ આસાન બની ગઈ છે. પરંતુ, ઘણીવાર એવું બનતું હોય છે કે વૉલેટમાં પૂરતું બેલેન્સ હોવા છતાં ટોલ બૂથ પર પેમેન્ટ નિષ્ફળ જાય છે અથવા તો એક જ ટ્રાન્ઝેક્શન માટે વાચકોના ખાતામાંથી બે વાર રકમ કપાઈ જવાની ફરિયાદો પણ સામે આવતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની સમસ્યાઓ ટેકનિકલ ખામીઓને કારણે, ટેગ બ્લેકલિસ્ટ થવાને કારણે અથવા બેંક કે ટોલ પ્લાઝાના સર્વરમાં અચાનક વિક્ષેપ આવવાને કારણે થતી હોય છે.
ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યારે કલેક્શન મશીન કે સર્વરમાં ક્ષતિ સર્જાવાને કારણે એક જ ટ્રાન્ઝેક્શન બે વાર નોંધાઈ જતું હોય છે, અથવા તો વાહન ખૂબ ધીમેથી ચાલે કે બરાબર ન અટકે ત્યારે રીડર ટેગને બે વાર સ્કેન કરી લે છે જેનાથી ડબલ ચાર્જ કપાય છે. આ ઉપરાંત, જો ખાતામાં રકમ હોવા છતાં ટેગ બ્લેકલિસ્ટ કે હોટલિસ્ટ થઈ ગયું હોય, KYC પ્રક્રિયા અધૂરી રહી ગઈ હોય કે વાહનની આરસી બુક અને FASTagની વિગતોમાં કોઈ ફેરફાર હોય તો પણ પેમેન્ટ ફેઈલ થઈ શકે છે. નેટવર્કની ભૂલો અથવા બેંક અને ટોલ સિસ્ટમ વચ્ચેના સંકલનના અભાવે પણ ડબલ ચાર્જ કપાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે.
જો તમારી સાથે પણ ક્યારેક આવું બને તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનો સરળ ઉકેલ પણ ઉપલબ્ધ છે. જો તમારી પાસેથી ડબલ ચાર્જ વસૂલવામાં આવ્યો હોય તો તાત્કાલિક તમારા FASTagની ઇશ્યુઅર બેંકના કસ્ટમર કેર વિભાગમાં ફોન કરીને ફરિયાદ નોંધાવો. ફરિયાદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બંને વ્યવહારોની તારીખ, સમય, રકમ અને ટ્રાન્ઝેક્શન ID પોતાની પાસે નોંધીને રાખવા, જેથી ચકાસણી ઝડપથી થઈ શકે. આ સિવાય ટોલ પ્લાઝા સંબંધિત કોઈપણ મૂંઝવણ કે સમસ્યા માટે તમે સરકારની 1033 હેલ્પલાઇનનો પણ બેધડક સંપર્ક કરી શકો છો.
