JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

કોલેજની નોન-રિફંડબલ ફીની દલીલ ફેઈલ, સ્ટુડન્ટને ચૂકવવા પડશે 39,500 રૂપિયા

Oct 27, 2026 | 13:30 | By JAMNAGAR MIRROR
કોલેજની નોન-રિફંડબલ ફીની દલીલ ફેઈલ, સ્ટુડન્ટને ચૂકવવા પડશે 39,500 રૂપિયા
તેલંગાણાના કન્ઝ્યુમર કમિશને હૈદરાબાદની હોટેલ મેનેજમેન્ટ કોલેજને ફટકાર લગાવી છે. અભ્યાસ શરૂ થાય તે પહેલાં જ એડમિશન કેન્સલ કરનાર સ્ટુડન્ટની ફી પરત ન કરવાના મામલે કમિશને કોલેજને કુલ 39,500 રૂપિયાનું રિફંડ અને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

વર્ગો શરૂ થાય તે અગાઉ જ એડમિશન પાછું ખેંચી લેનાર એક સ્ટુડન્ટને ફી પરત ન કરવાનો ઇનકાર કરવો હૈદરાબાદની એક જાણીતી હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને ભારે પડ્યો છે. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કલિનરી આર્ટ્સ (IIHMCA) ને ગ્રાહક સેવાઓમાં બેદરકારી બદલ દોષી ઠેરવી છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે સત્ર શરૂ થાય તે પહેલાં એડમિશન કેન્સલ કરાવનાર સ્ટુડન્ટ પાસેથી માત્ર પ્રોસેસિંગ ચાર્જ કાપીને બાકીની રકમ પરત કરવી અનિવાર્ય છે, અને કોલેજ માત્ર 'નોન-રિફંડબલ' રસીદની શરત બતાવીને આખી ફી રાખી શકે નહીં.

આ કેસની વિગતો મુજબ, 18 વર્ષના સ્ટુડન્ટ નિખિલ સાઈએ મે 2025માં આ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોવિઝનલ એડમિશન લીધું હતું અને કુલ 30,500 રૂપિયાની ફી ભરી હતી. જોકે, અન્ય સારી જગ્યાએ એડમિશન મળી જતા તેની વકીલ માતા એમ. ભર્ગવીએ તારીખ 1 જુલાઈ 2025ના રોજ એટલે કે કોલેજના વર્ગો શરૂ થાય તે પહેલાં જ એડમિશન કેન્સલ કરીને ફી પરત માંગણી કરી હતી. પરંતુ કોલેજે રસીદ પર છપાયેલી નોન-રિફંડબલ શરત આગળ ધ ધરીને પૈસા પાછા આપવાની ના પાડી દીધી હતી. કોલેજ કમિશનની નોટિસ છતાં હાજર રહી ન હતી, જેથી કમિશને સ્ટુડન્ટ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ, પેમેન્ટ રિસિપ્ટ્સ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની માર્ગદર્શિકાના આધારે કેસની સુનાવણી હાથ ધરી હતી.

કમિશનની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે સ્ટુડન્ટે ક્લાસ શરૂ થયા પહેલા જ એડમિશન રદ કરાવ્યું હતું અને કોલેજ પાસેથી કોઈ એજ્યુકેશનલ સર્વિસ કે સ્ટડી મટીરિયલ મેળવ્યું ન હતું, તેથી માત્ર પ્રિન્ટેડ શરતના આધારે આખી ફી જપ્ત કરવી તે અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ ગણાય. અંતે કમિશને કોલેજને 1,000 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ કાપીને બાકીના 29,500 રૂપિયા ફી પેટે, માનસિક ત્રાસ માટે 5,000 રૂપિયા વળતર અને કાનૂની ખર્ચ પેટે અન્ય 5,000 રૂપિયા એમ કુલ મળીને 39,500 રૂપિયા સ્ટુડન્ટને ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઇન્સ્ટિટ્યૂટે આ આદેશ મળ્યાના 45 દિવસની અંદર આ રકમ ચૂકવવાની રહેશે.

LATEST ARTICLES