JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

કેબીસીના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં ધમાકો કરશે રામાયણના સ્ટાર્સ

Oct 27, 2026 | 13:25 | By JAMNAGAR MIRROR
કેબીસીના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં ધમાકો કરશે રામાયણના સ્ટાર્સ
અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે મહેમાન બનશે. 29 અને 30 ઑક્ટોબરે ટેલિકાસ્ટ થનારા આ શોમાં દિવાળીની ઉજવણી સાથે મનોરંજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

નિતેશ તિવારીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ રામાયણના કલાકારો હવે ટેલિવિઝન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આગામી દિવાળીના તહેવારને ખાસ બનાવવા માટે રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે મહાનાયક અમિતાભ બચ્ચનના ફેમસ શો કૌન બનેગા કરોડપતિના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં હાજરી આપવાના છે. આ વિશેષ એપિસોડમાં તહેવારની રોનક તો જોવા મળશે જ, સાથે જ કલાકારો વચ્ચેની હસી-મજાક અને રામાયણની પવિત્ર આસ્થાની ઝલક પણ દર્શકોને જોવા મળશે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર આ ખાસ એપિસોડ 29 અને 30 ઑક્ટોબરે પ્રસારિત કરવામાં આવશે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, હાલમાં જ રિલીઝ થયેલું રામાયણ ફિલ્મનું ગીત મંગલ રંગ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે અને દર્શકોનાં દિલ જીતી લીધાં છે. શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહના સ્વરમાં તથા એ. આર. રહમાનના સંગીતથી સજ્જ આ ગીતના બોલ કુમાર વિશ્વાસે લખ્યા છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના સ્વયંવરથી લઈને વિવાહ અને વનવાસ સુધીના દ્રશ્યો બહુ જ સુંદર રીતે બતાવવામાં આવ્યા છે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની જોડી અને કેમિસ્ટ્રી અદ્ભુત લાગી રહી છે. જોકે, આ ગીતના એક સીનને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં ભગવાન રામને પીળો લેપ લગાડવાની વિધિ બતાવવામાં આવી છે.

શરૂઆતમાં કેટલાક લોકોએ આને હલ્દીની વિધિ ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ કે આ મિથિલા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રચલિત પરંપરાગત આશીર્વાદવિધિ ચુમાવન હોઈ શકે છે. મિથિલા સંસ્કૃતિની આ પરંપરાગત વિધિ લગ્ન જેવા શુભ પ્રસંગો પર કરવામાં આવે છે, જેમાં પરિવારના વડીલો વર-કન્યાને આશીર્વાદ આપીને તેમના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની કામના કરે છે. ફિલ્મના આ વિવાદો અને ચર્ચાઓ વચ્ચે હવે કૌન બનેગા કરોડપતિના મંચ પર આ સ્ટાર્સની ઉપસ્થિતિ શોની મજામાં ચાર ચાંદ લગાવી દેશે.

LATEST ARTICLES