JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાની કોર્ટે આપ્યો મોટો ચુકાદો, હવે ગેરકાયદેસર ઘૂસણખોરોને જામીન મેળવવાનો કોઈ બંધારણીય અધિકાર નહીં

Oct 26, 2026 | 21:28 | By JAMNAGAR MIRROR
અમેરિકાની કોર્ટે આપ્યો મોટો ચુકાદો, હવે ગેરકાયદેસર ઘૂસણખોરોને જામીન મેળવવાનો કોઈ બંધારણીય અધિકાર નહીં
અમેરિકાની ફિફ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ઇમિગ્રેશનને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા માઇગ્રન્ટ્સને ડિપોર્ટેશનની પ્રોસેસ દરમિયાન જામીન માટેની સુનાવણીનો કોઈ બંધારણીય અધિકાર નથી. આ ચુકાદાથી અગાઉના એવા તમામ આદેશો રદ થઈ ગયા છે જેમાં આવા લોકોને વ્યક્તિગત જામીન હિયરિંગનો લાભ મળતો હતો.

અમેરિકાની ન્યાયિક વ્યવસ્થામાં ઇમિગ્રેશન અને કાયદાકીય પ્રક્રિયાઓને લઈને હાલમાં એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકાની ફિફ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ત્રણ એવા યુવકોના કેસમાં આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમણે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આ કોર્ટે નીચલી કોર્ટોના અગાઉના એ તમામ નિર્ણયો ફગાવી દીધા છે, જેમાં આ માઇગ્રન્ટ્સને દેશનિકાલની કાર્યવાહી ચાલુ હોય ત્યારે જામીન માટેની અલગથી સુનાવણી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નવા વળાંક બાદ હવે અમેરિકામાં કાયદાકીય લડાઈ લડી રહેલા ઇમિગ્રન્ટ્સના હકો અને ડ્યૂ પ્રોસેસને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

આખો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં બોર્ડર સિક્યોરિટી અને ગેરકાયદેસર ઘૂસણખોરી એક મોટો રાજકીય અને સામાજિક મુદ્દો બની ચૂક્યો છે. અગાઉના કેસમાં એવું નક્કી થયું હતું કે ડિપોર્ટેશનની લાંબી પ્રક્રિયા દરમિયાન કસ્ટડીમાં રાખવામાં આવેલા માઇગ્રન્ટ્સને જામીન મેળવવાની તક મળવી જોઈએ, જેથી જજ સમક્ષ તેઓ પોતાના કેસની રજૂઆત કરી શકે. પરંતુ, ફિફ્થ સર્કિટ કોર્ટના આ તાજા ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે યુએસ કોન્સ્ટિટ્યુશન હેઠળ ગેરકાયદેસર રીતે આવેલા વિદેશી નાગરિકોને આવા કોઈ બંધારણીય હકો મળવાપાત્ર નથી.

આ નિર્ણયની અસર આવનારા દિવસોમાં હજારો એવા કેસો પર પડી શકે છે જેઓ અત્યારે ડિટેન્શન સેન્ટરોમાં બંધ છે અને પોતાના કેસના નિકાલની રાહ જોઈ રહ્યા છે. માનવાધિકાર સંગઠનો અને ઇમિગ્રેશન લોયર્સ આ ચુકાદાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો જામીન હિયરિંગનો અધિકાર જ નહીં મળે, તો લોકો લાંબા સમય સુધી વગર કોઈ યોગ્ય સુનાવણીએ જેલ જેવા માહોલમાં રહેવા મજબૂર થશે. બીજી બાજુ, કાયદાકીય કડકાઈ ઈચ્છતા વર્તુળોમાં આ નિર્ણયને દેશની સુરક્ષા અને કાયદાના પાલન માટે એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ કેસ આગળ વધતાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે કે કેમ અને ત્યાં શું વલણ અપનાવવામાં આવે છે.

LATEST ARTICLES