સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ખેડૂતોની મુશ્કેલીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે લખતર તાલુકાના 33 ગામોના ખેડૂતો નર્મદા યોજના સંબંધિત વિવિધ પ્રશ્નોથી લાંબા સમયથી પરેશાન હતા અને આખરે આ તમામ અન્નદાતાઓ પોતાની સમસ્યાઓ લઈને લખતર સર્કિટ હાઉસ ખાતે એકઠા થયા હતા. અહીં તેમણે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં રૂબરૂ રજૂઆત કરી હતી. ખેડૂતોની આ રજૂઆતથી પંથકમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ફરી એકવાર ગરમાયો છે અને તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ બેઠક દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે નર્મદા કેનાલોની દયનીય હાલતનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે કેનાલોની નિયમિત અને યોગ્ય સાફ-સફાઈ થતી નથી, જેના કારણે પાણીનો પ્રવાહ અટકે છે. વળી, અને જગ્યાએ કેનાલોમાં મોટા પ્રમાણમાં લીકેજ હોવાને કારણે અને ઓવર ટોપિંગ થવાથી આસપાસના ખેતરોમાં બિનજરૂરી ભેજ લાગી જાય છે અને ખેતીની જમીન બગડી રહી છે. સમયસર કેનાલોની મરામત કે રિપેરિંગ કામ ન થવાને કારણે ખેડૂતોએ દર વખતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ ખાસ કરીને વડલા, સાકર, અણીયારી, તલસાણા, તાવી સહિતના અનેક ગામોના નામજોગ દુઃખ વ્યક્ત કર્યું હતું કે આ ગામોમાં કેનાલના ટેલ એન્ડ એટલે કે અંતિમ છેડા સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું જ નથી. સિંચાઈ માટે સમયસર પાણી ન મળવાને કારણે ખેડૂતોના મોં પર આવેલા ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની પૂરી ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોની આ ગંભીર સમસ્યાઓને સાંભળીને ધારાસભ્ય પીકે પરમારે સૌને સાંત્વના આપી હતી અને હૈયાધારણ આપી હતી કે આ મામલે આગામી સમયમાં સંબંધિત નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને વહેલી તકે તમામ મુશ્કેલીઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે.
