આજના ડિજિટલ યુગમાં જ્યાં જન્મતાની સાથે જ બાળકોના હાથમાં મોબાઈલ કે ટેબ્લેટ પકડાવી દેવામાં આવે છે, ત્યાં જાણીતી અભિનેત્રી અસીન અને માઈક્રોમેક્સ કંપનીના કો-ફાઉન્ડર રાહુલ શર્માએ પોતાની દીકરીના ઉછેર માટે તદ્દન અલગ જ રસ્તો પસંદ કર્યો છે. આ કપલે તેમની 8 વર્ષની દીકરી અરિન રેન શર્માને આજદિન સુધી ઘરમાં ટીવી કે મોબાઈલ ફોન જેવા કોઈ પણ સ્ક્રીનથી દૂર રાખી છે. આજના સમયમાં જ્યાં મોટાભાગના બાળકો કાર્ટૂન કે વીડિયો જોવામાં વ્યસ્ત રહે છે, ત્યાં અરિનનું બાળપણ પુસ્તકોની વચ્ચે જ વીતી રહ્યું છે. રાહુલ શર્માએ ખુલાસો કર્યો છે કે તેમના ઘરમાં સ્ક્રીનને બદલે ચારેબાજુ માત્ર પુસ્તકો જ જોવા મળે છે.
આ પેરન્ટ્સે પોતાની દીકરી માટે ઘરમાં પુસ્તકોનો એવો માહોલ બનાવ્યો છે કે કદાચ સ્કૂલમાં પણ આટલા પુસ્તકો નહીં હોય. મજાની વાત તો એ છે કે અરિન હજી માત્ર ક્લાસ 2 માં ભણે છે, પરંતુ તેના ઘરના પુસ્તકાલયમાં ક્લાસ 8 અને ક્લાસ 9 ના અભ્યાસના પુસ્તકો પણ પહેલેથી જ આવી ગયા છે. આ બાબતે હસતા હસતા રાહુલ શર્માએ કહ્યું હતું કે, "અમે તો એમ ઈચ્છીએ છીએ કે તે સીધી ક્લાસ 10 ની બોર્ડ એક્ઝામ પણ આપી દે, એમાં શું ફરક પડે છે?" રાહુલ શર્માએ આ ક્રેડિટ સંપૂર્ણપણે પોતાની પત્ની અસીનને આપી છે અને જણાવ્યું છે કે ઘરમાં આ રીતનું શાનદાર રીડિંગ કલ્ચર વિકસાવવામાં અસીનનો મુખ્ય ફાળો છે.
આ અનોખા ઉછેરનું પરિણામ એ આવ્યું છે કે માત્ર 8 વર્ષની નાની વયે જ અરિન લગભગ 12 અલગ-અલગ ભાષાઓ સમજી અને બોલી શકે છે. આ લિસ્ટમાં કોરિયન, જાપાનીઝ, થાઈ અને ચાઈનીઝ જેવી ભાષાઓ પણ સામેલ છે. રાહુલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં હસતા હસતા એવું પણ કહ્યું હતું કે, "હાલ તો મારા માટે બે ભાષાઓ બોલવી પણ અઘરી પડી રહી છે, અમારે તો ઇંગ્લિશ અને હિન્દી સુધી જ સીમિત રહેવું પડે છે!" ઉલ્લેખનીય છે કે અસીને ગજિની જેવી સુપરહિટ મૂવીઝમાં કામ કરીને બોલિવૂડમાં ધમાકો મચાવ્યો હતો અને વર્ષ 2016 માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી તેણે ફિલ્મી દુનિયાથી સંપૂર્ણ દૂરી બનાવી લીધી હતી. હાલ આ કપલ દિલ્હીના મહેરાૌલી વિસ્તારમાં આવેલા પોતાના ભવ્ય અને હરિયાળા ફાર્મહાઉસમાં પરિવાર સાથે શાંતિપૂર્ણ અને સાદી જીવનશૈલી જીવી રહ્યું છે.
