આજે દુનિયાના બજારોમાં જો કોઈ એક ટેક્નોલોજીની સૌથી વધુ ચર્ચા થતી હોય, તો એ AI છે. ગલીથી લઈને મોટા કોર્પોરેટ જગત સુધી બધે જ AI નો દબદબો છે. આ ટેક્નોલોજી પાછળ અબજો અને ખરબો ડૉલરનું રોકાણ થઈ રહ્યું છે. પણ સવાલ એ ઊભો થાય છે કે શું આ AI નો બૂમ લાંબો સમય ટકશે કે પછી આ એક મોટો બબલ સાબિત થશે? નિષ્ણાતો માની રહ્યા છે કે આ ટ્રેન્ડ પાછળ જેટલો રોમાંચ છે, તેટલી જ હવે ચિંતા પણ વધવા લાગી છે.
ચીનની વાત કરીએ તો ત્યાં માહોલ એકદમ ગરમાગરમ અને ચિંતાજનક છે. ચીનમાં AI અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં ભારે ગાબડું પડ્યું છે અને માત્ર 4 મહિના કરતાં ઓછા સમયમાં STAR50 ઇન્ડેક્સ 40 ટકા તૂટી ગયો છે. આ કડાકામાં રોકાણકારોના અંદાજે 480 અબજ ડૉલર પાણીમાં બેસી ગયા છે. ચીનના નાના રોકાણકારોને આનાથી મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ત્યાં માર્કેટમાં AI અને ટેક શેરોનો હિસ્સો ખૂબ મોટો છે. આ તરફ અમેરિકાના શેરબજારમાં પિક્ચર એકદમ અલગ છે.
અમેરિકામાં દુનિયાની દિગ્ગજ AI કંપનીઓ પોતાના IPO લાવવાની તૈયારી કરી રહી છે. ચેટબોટ Claude બનાવનાર કંપની Anthropic એ વોલ સ્ટ્રીટ પર લિસ્ટિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કંપનીનું વેલ્યુએશન અંદાજે 965 અબજ ડૉલર આંકવામાં આવ્યું છે અને આગામી સમયમાં તે 1.5 ટ્રિલિયન ડૉલર કે તેથી પણ વધુ થઈ શકે તેવી શક્યતા છે. બીજી તરફ ChatGPT બનાવનાર કંપની OpenAI પણ પાછળ નથી અને આવતા વર્ષે પોતાનો IPO લાવવાની યોજના બનાવી રહી છે, જેનું વેલ્યુએશન 852 અબજ ડૉલર આસપાસ છે.
મૂળ વાત એ છે કે આ કંપનીઓ AI ની રેસમાં આગળ રહેવા માટે પાણીની જેમ પૈસા ખર્ચી રહી છે અને તેને રોકડની જરૂર હોવાથી પબ્લિક ઇક્વિટીનો સહારો લઈ રહી છે. જો કે, સામાન્ય માણસ અને રોકાણકારોના મનમાં એક જ ડર સતાવી રહ્યો છે કે જો આ AI બબલ ફૂટ્યો, તો મોટું નુકસાન થઈ શકે છે. હ્યુમન કંટ્રોલ અને વધુ પડતા રોકાણ વચ્ચે હવે ટેક જગતમાં આગળ શું થશે તેના પર આખી દુનિયાની નજર છે.
